આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો બને જ કેમ? સહુ ય લેખકો એટલા તો માનવી છે. એવી દોહ્યલ તટસ્થતા અહીં જેટલી ઓછી લોપાયેલી ભાસે તેટલીજ આ લેખકની કૃતાર્થતા લેખાશે

મુંબઈ : ૧-૯-૧૯૩૫
ઝવેરચંદ મેઘાણી
 

['મેઘાણીની નવલિકાઓ', ખંડ ૧]

નવા થતા આ સંગ્રહમાં મોટો ભાગ તો જૂના માલનો છે, એવું જાણી કોઈ વાચક પોતાની ઠગાઈ થઈ માને તે બીકે પહેલે પાને ખુલાસો જરૂરી માન્યો છે.

૧૯૩૧થી જે સ્વતંત્ર ટૂંકી વાર્તાઓ લખાતી થઈ હતી તેના ચાર સંગ્રહો પ્રકટ થયા: 'ચિતાના અંગારા' (૨ ખંડ), 'આપણા ઉંબરમાં' અને 'ધૂપછાયા'. આ બધા સંગ્રહો અણસરખા હતા. તે પછી જે થોડી વધુ લખાઈ તેનો તો સ્વતંત્ર સંગ્રહ થયો જ નથી.

પ્રકાશકોની સાથે મસલત કરી એવું વિચાર્યું કે પ્રકટ અને અપ્રકટ આ બધી ટૂંકે વાર્તાઓના દળદાર ત્રણેક સંગ્રહો કરી નાખવાથી વાચકોનો રસ વધુ સંતોષાશે તેમજ મારી વાર્તાઓ યુનિવર્સિટી ઉચ્ચતર ગુજરાતી અભ્યાસક્રમમાં નવલિકાનું સ્વરૂપ શીખવા અંગે ભલામણ પામેલી હોઈને વિદ્યર્થીઓને પણ પરિચયની વધુ સગવડ રહેશે.

પરિણામે 'ધૂપછાયા'ની વાર્તાઓમાં પહેલી પાંચ તેમજ છેલ્લી એક એમ કુલે છ નવી વાર્તાઓ ઉમેરીને 'મેઘાણીની નવલિકાઓ' ખંડ પહેલો કર્યો છે. 'ધૂપછાયા' નામનું પુસ્તક જ લુપ્ત થાય છે.

'ચિતાના અંગારા' ના બન્ને ભાગો તથા 'આપણા ઉંબરમાં'માંથી વાર્તાઓ એકત્રિત થઈને 'મેઘાણીની નવલિકાઓ' ખંડ બીજો હવે પછી તરતમાં પ્રકટ થશે; ને તે પછી 'મેઘાણીની નવલિકાઓ' ખંડ ત્રીજામાં બધી જ નવી વાર્તાઓ મુકાશે.

'ધૂપછાયા'ની પહેલી વાર્તા 'વહુ અને ઘોડો' આ પહેલા ભાગમાં લગભગ છેલ્લે મૂકવા સિવાય બીજો ખાસ ફેરફાર કર્યો નથી.

રાણપુર : ૮-૩-'૪૨
ઝવેરચંદ મેઘાણી
 

[9]