આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અનીતિના દાણા તારા ઘરમાં આવી પડ્યા હશે, પદમા! પથ્થરખાણવાળા અભરામ શેઠ કનેથી ખોટી રોજી પડાવી હશે તેં. મારો બેટો પદમો કાંઇ કમ નથી."

એક મોટા કેસરિયા ચાંદલા વડે શોભતા કાપડિયાભાઇએ યાદ આપ્યું:

"ખેડ કરતો ત્યારે ગાડાના પૈડામાં તે દા'ડે ગલૂડિયાંની પૂંછડી ચગદી નાખેલી - યાદ છે ને? એ અપરાધની તને ઇશ્વર સજા આપી રહ્યો છે, સમજ્યો ને? હજુ તો તારું સત્યાનાશ નીકળી જવાનું, જોજે! તે દી તો અધમણ જુવાર પારેવાંની ચણ્યમાં નાખતાં ઝાટકા વાગતા'તા, મા'જન જેવા મા'જનનું મોં નો'તું રાખ્યું - ને આજે કેમ સાંખી રિયો, ગગા!"

"એ..એ સાચું, બાપા! - તમારા સૌનું સાચું!"

પદમો ખેરના અંગાર જેવું સળગતું અટ્ટહાસ્ય કરીને આગળ વધ્યો. માથામાં ચક્કર આવતાં પાછો એ થંભ્યો. મિયાણાની જોટાળી બંદૂક-શી બે આંખો એણે પેલી મેડી તરફ તાકી. પણ આ વેળાની મીટ મેડીના દ્વારથી ઊંચી ચાલી. આકાશના અદીઠ તારાનાં ચાંદુડિયાં પાડતો એક સુવર્ણ-કળશ કોઇ ધનપતિ ધર્માચાર્યના પેટની ફાંદનો આકાર ધરીને સૂતેલા મંદિર-ઘુમ્મટની નાભિ સમો શોભતો હતો; અને તેથીયે ચડિયાતા ગગનમાં ફરકતી નવી ધજા એ મેડીના છાપરાપર કાળી નાગણી જેવી છાયાને રમાડતી હતી.

પદમા કણબીને આટલા બધા છેડાઇ જવાની જરૂર નહોતી. વાત માત્ર એમ બની હતી કે બપોરે પથ્થરખાણેથી પથ્થર તોડીને એ ઘેર આવ્યો, ને કંકુવહુ સીમમાંથી છાણાં વીણીને પાછી આવી, ત્યારે ઘરમાં લોટ નહોતો. બરાબર આસો માસ ઉતરીને કાર્તિક સુદનો બીજો દિવસ બેઠો હતો, એટલે જૂની જુવાર થઇ રહી હતી - ને નવા ધાન્યનો દાણો હજૂ નહોતો મળતો. દશ શેર બાજરો ઉધાર લાવીને પદમો ઝટઝટ સંચે દળાવવા ગયો. લોટની સુંડલી માથા પર મુકીને એ ચાલ્યો આવતો હતો. નાની-શી પોળમાં ત્રણ-ચાર ધર્માલયો હોવાથી એનાં એઠવાડ-પાણીનાં ખાબોચિયાં રસ્તામાં