આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભરાતાં, અને એ પ્રવાહી કીચડની સપાટી ઉપરની પવનની લહેરીએ મચ્છરોના થર ઝૂલી રહેતા. પદમો એક બાજુ તરીને ચાલવા ગયો ત્યાં તો ઉપરથી એક મોરીની ધાર લોટની સુંડલીમાં પડી.

એ મેડી હતી ધર્મગુરુઓના વસવાટની. શહેરમાં દેવજાત્રાના વરઘોડા વારંવાર નીકળતા; ઉત્સવો ઉજવાતા. ચાતુર્માસમાં પ્રત્યેક સંપ્રદાય શક્ય તેટલાં ઈનામો અને લહાણાં આપી આપીને વાસોને ઉત્તેજતો, તેમ જ ધર્મોપદેશનાં વ્યાખ્યાનો, ભજન-કીર્તનો, ભોજનો, ધર્માચાર્યોનાં વિદાય-સ્વાગતો એકબીજા સંપ્રદાયો વચ્ચે હરીફાઇના અવસરો બની રહેતા. સ્થાનિક અમલદારોને પોતપોતાના સમારંભોમાં હાજર રખાવવા પ્રત્યેક પંથને ચીવટ હતી. આ બધાં સારુ જેમ ધજાપતાકાઓ અને ડંકા-નિશાનોની જરૂર પડતી, તેમ બહોળા સાધુમંડળની હાજરી પણ જરૂરી હતી. સંખ્યાનાં પ્રમાણમાં સ્નાનાદિકનાં પાણી પણ મોરીમાંથી વિશેષ પ્રમાણમાં વહ્યા કરતાં. પરંતુ એક તો, મ્યુનિસિપાલિટીની સાથે માથાકૂટ કરવી પડે અને, બીજું, પ્રભાતને પહોર હંમેશાં ઊઠીને ભંગીની જોડે તકરાર કરવી પડે એ કારણે ધર્મપાલોએ મોરીનું ભૂંગળું છેક ભોંય સુધી ઉતારીને કૂંડી બાંધવાનું મુનાસિબ નહોતું માન્યું. મોરીનું બે તસુ લાબું નાળચું મોકળું વહેતું હતું. અધ્ધરથી પડતી ધારે તે દિવસે બપોરે પદમાની સૂંડીનો દસ રતલ આટો બગાડ્યો, ને પોતાની કંગાલિયતને હિસાબે જરા વધુ પડતા સુગાળવા સ્વભાવથી દોરવાઇ જઇને પદમા કણબીએ પોતાનો તમામ લોટ રસ્તા ઉપર ઉંધો વાળ્યો!

હસમુખા ધર્મપાલોએ ઉપલી બારીમાંથી ઊભા રહીને આ ટીખળ જોતાં જોતાં, લોકવૃંદને જમા થતું દેખી દ્વાર બંધ કર્યાં, તે જ વેળાએ પદમાએ આ હાયકારો કર્યો કે -

"તું જાણ્ય - ને ઠાકર જાણે, ભાઇ!"

[૨]

"વાતવાતમાં જ, બસ 'ઠાકર'! શી ટેવ છે અનુયાયીઓની હવે તો!" ચીમળાયેલા ગાજરના જેવા વર્ણના એક ધર્મપાલે ટકોર કરી.