આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[આવૃતિ ૨]

મારી નવલિકાઓના બંને ખંડોને જે લોકાદર મળ્યો છે તે માટે વાચકોનો ઋણી છું; અને ત્રીજો ખંડ આપવાની જે ધારણા સેવી હતી તે ચાર વર્ષે ફળીભૂત થાય છે, તેથી પણ કૃતાર્થતા અનુભવું છું. મારી લઘુકથાઓના ત્રીજા ખંડનું નામ રાખ્યું છે 'વિલોપન અને બીજી વાતો', ને તે 'પ્રજાબંધૂ' સાપ્તાહિકના ભેટ-પુસ્તક તરીકે હમણાં પ્રકટ થયો છે. નવલિકાઓના આલેખનનો મહાવરો છે ૧૯૩૪થીએ છૂટી ગયો હતો, તેને ફરીથી 'ઊર્મિ' માસિકમાં ૧૯૪૫માં ઘૂંટવા માંડ્યું; પરિણામે આ 'વિલોપન'નો સંગ્રહ શક્ય બન્યો. મને આશા છે કે મારી નવલિકાઓના પ્રેમીજનોને 'વિલોપન'માં મૂકેલા પ્રયોગો ગમશે.

લઘુકથા-આલેખનનો દોર તૂટી ગયો તે દરમ્યાનના દાયકામાં - બેશક, અન્ય પ્રકારો દ્વારા - એ સરવાણી તો ભૂગર્ભમાં ચાલુ જ રહી છે. 'માણસાઈના દીવા'માં જે કલા-નિર્માણ છે, તે પણ લઘુકથાની ઘાટીને અનુવર્તે છે.

અમદાવાદ: બળેવ, ૨૦૦૨ [સન ૧૯૪૬]
ઝવેરચંદ મેઘાણી
 

[૧૦]