આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઠમકારાથી રાત્રીની એકાંતને વિદારતા પાછા વળ્યાઃ 'સુમેરુના ગળાફાંસાનો આખો પ્રસંગ હસીને જ પતાવી દેનારો હું આજ કેવો પામર બની ગયો! હા...હા... હા... હા! ઠાકર લેખાં લેશેઃ કેવી ભ્રમણા છે મનુષ્યોની!'

આટલું થયું ત્યાં તો શયનખંડમાં પોતે આવીને ઘસઘસાટ સૂતા. પ્રભાત થયું ત્યારે એમને પોતાની આગલી રાતની હૃદય-દુર્બલતા રજેરજ સાંભરી આવી - ને પોતે અત્યંત શરમિંદા બન્યા. 'ઠાકર લેખાં લેશે' એ વાકય પર તો ફરી ફરીને એટલું હસ્યા કે ઓરડો જાણે એ હાસ્ય-ધ્વનિના ભારથી ભાંગી પડશે!

લગભગ પાંચેક હજાર રૂપિયાની ધર્મભેટ લઇને મહારાજશ્રી પાછા ગાદીની જગ્યાએ ગયા ત્યારે ભાણાને ને પશવા વગેરેને ભેળા લેતા ગયા.

વીજળીની રોશની આજુ-બાજુના પાંચ ગાઉના ઘેરાવામાં ચાંદનીનું લેપન કર્યા કરતી. નીરખી નીરખીને ગામેગામનાં લોકો હાથ જોડી દર્શન કરતાં હતાં: "વાહ મારો વાલોજી, વાહ! શી કરામત છે ગાદીપતિની!"

મંદિરમાં ગ્રામોફોન અને રેડિયો નવાં વસાવવામાં આવેલઃ પશવાએ ને ભાણાએ આ બધી ગુરુજીની જ વિદ્યા માની.

જગ્યામાં સવાર-સાંજ નૃત્ય કરવા એક વારાંગના વસાવી હતીઃ પશવા-ભાણાને થયું કે વૃંદાવન આંહીં જ વસ્યું છે ને શું!

મોડી રાતે પશવો-ભાણો સૂઇ ગયા ત્યારે -

મહારાજની મેડી ઉપર ચાર લક્ષપતિઓની જોડે મહારાજશ્રી પેલા પાંચ હજારની વહેંચણી કરતા હતા.

ને મધરાત્રીએ એકલા પડેલા મહારાજ હસતા હતાઃ "હા...હા...હા...ઠાકર લેખાં લેશે!!!"