આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩
ઉત્તરમેઘ


લાઠીઓથી કદી સરધસો પોલીસો ત્યાં વિખેરે,
તો યે શાંતિ ધરી હૃદયમાં પાળતા એ અહિંસા;
આત્મા જેવું બળ ન જગમાં દીસતું અન્ય કોઇ,
એવું માની કદી ન કરતા શાંતિનો ભંગ તેઓ.


શિવાજીનું રૂધિર વહતું જ્યાં તણા માણસોમાં,
જીજીબાઈ સમ જનનીઓ જ્યાં હજીએ વસે છે;
જે વીરોની રણગરજના સાંભળી શત્રુઓનાં,
ચીરાતાં રે હૃદય જલદી તે તણી એ ભૂમિ છે.


મેં કીધું તે રીતથી પછી તું જેલ નામે યરોડા,
પાસે જાજે અડચણ તને કાંઇ થાશે નહિ જ ;
દેવીઓ ત્યાં જલદ કમલા ને સરોજિની છે રે,
વંદીને તું પછી ઝટ જજે ગાંધીજીની સમીપ.