આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વૃંદા તે વનને મારગ જાતાં,
દાણ આપ્યાની ઘણી હામ છે; વા’લા. નંદલાલ૦
વૃંદા તે વનની કુંજગલીમાં;
ઘેરઘેર ગોપીઓનાં ઠામ છે રે; વા’લા. નંદલાલ૦
આણી તીરે ગંગા વા’લા પેલી તીરે જમુના;
વચમાં ગોકુળિયું ગામ છે; વા’લા. નંદલાલ૦
ગામના વલોણાં મારે મહીનાં વલોણાં,
મહીડાં ઘૂમ્યાની ઘણી હામ છે; વા’લા. નંદલાલ૦
બાઈ મીરાં કે પ્રભુ ગિરધરનાં ગુણ;
ચરણનમેં સુખ શ્યામ છે; વા’લા. નંદલાલ૦

૧૨

રામનામ સાકર કટકા, હાંરે મુખ આવે અમીરસ ઘટકા;
હાંરે જેને રામ ભજન પ્રીત થોડી, તેની જીભલડી લ્યોને તોડી.
હાંરે જેણે રામ તણા ગુણ ગાયા, તેણે જમ ના માર ન ખાયા;
હાંરે ગુણ ગાય છે મીરાંબાઈ, તમે હરિચરણે જાઓ ઘાઈ.


૧૩

રામ રમકડું જડિયું રે, રાણાજી; મને રામ રમકડું જડિયું. ટેક
રૂમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું;
નહિ કોઈના હાથે ઘડિયું રે; રાણાજી∘
મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા;
કોઈ એક વિરલાને હાથે ચડિયું રે; રાણાજી∘
સૂના શિખરના ઘાટથી ઉપર;
અગમ અગોચર નામ પડિયું રે;રાણાજી∘
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
મન મારું શામળિયા સંગ જડિયું રે; રાણાજી∘