આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે; મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનો વાસ; કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ. ગોવિંદો. રાણોજી કાગળ મોકલે રે, દો રાણી મીરાંને હાથ; સાધુની સંગત છોડી દો, તમે વસોને અમારે સાથ. ગોવિંદો. મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ; રાજપાટ તમે છોડી રાણાજી, વસો સાધુને સાથ. ગોવિંદો. વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે, દેજો મીરાંને હાથ; અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રીવિશ્વનો નાથ… ગોવિંદો. સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ; રાણાજીના દેશમાં મારે, જળ રે પીવાનો દોષ. ગોવિંદો. ડાબો મેલ્યો મેવાડ રે, મીરાં ગઈ પશ્ચિમમાંય; સરવ છોડીને મીરાં નીસર્યાં, જેનું માયામાં મનડું ન કાંય. ગોવિંદો. સાસુ અમારી સુષુમણા રે, સસરો પ્રેમ-સંતોષ; જેઠ જગજીવન જગતમાં, મારો નાવલિયો નિર્દોષ. ગોવિંદો. ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે, રંગબેરંગી હોય; ઓઢું હું કાળો કામળો, દુજો ડાઘ ન લાગે કોય. ગોવિંદો. મીરાં હરિની લાડણી રે, રહેતી સંત-હજૂર; સાધુ સંગાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર. ગોવિંદો.