પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૨૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગંગા૦—તેને મોઢે કોઇ કહેતું નથી ?

જમના૦—ઘણાએ કહે છે; અને 'રતાંધળો' કહીને નાનાં છોકરાં પણ ખીજવે છે. પછી ઇંટો લઇને છોકરાંને મારવા દોડે છે.

ગંગા૦—ત્યારે તું શિખામણ દઇએ નહિ, કે જેમ જેમ ખીજાશો તેમ તેમ લોકો વધારે ખીજવશે.

જમના૦—અરે બાઇ, મારી શિખામણ તે માને !

उपजाति वृत्त

कही सुणावो शुभ के'ण काने,
मिथ्याभिमानी मुरखो न माने;
खरुं कहेतां उलटोज खीजे,
कुपात्रने बोध कदी न कीजे २७

ગંગા૦—એમ તો મારો ધણી સારો છે. આપણે કાંઇ સારી સલાહ આપીએ તો માને છે; અને જ્યારે મારા ઉપર બહુ ખુશી થયા, ત્યારે હરખથી એક સોનાનો હાર ઘડાવીને મારે વાસ્તે લાવ્યા.

જમના૦— મારા ધણી પાસે તો હું કશું માગું તો કહે છે કે ચુલામાંની રાખ લે.

ગંગા૦—મારો ધણી તો મને કહે છે કે હું તને કોઇ કોઇ વખત થોડી થોડી રકમ આપું તે તું સાચવીને રાખજે; કેમકે ખરી વખત કામમાં આવે. પછી ઘણીક વાર એક રૂપૈયો બે રૂપૈયા આપીને કહેશે કે લે રાખ્ય, લે આ રાખ્ય.

જમના૦

वसंततिलका वृत्त

ले राख्य राख्य तुज वल्लभ वाणि दाखे;
जे राख राख, मुजने भरथार भाखे;
सोंपे तने हरखथी शुभ हर स्वामि,
हुं तो हवे मुज पतीथकि हार्य पामी। २८

(એમ કહીને કપાળ કુટે છે.) (પડદો પડ્યો.)

<——0——>

ગાનાર ગાય છે—"મેલ મિથ્ય અભિમાન" ઇત્યાદિ.

<—————0—————>