પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રઘના૦—તું શું સમજે ! તે આવા દરિદ્રી મિજાજી છે; પણ કુળવાન છે. માટે કાલ અમારી દીકરી ઉપર સોક્ય લાવે, એટલા સારૂ આટલી ખુશામત કરવી પડે છે. નહિ તો તેનું મોઢુએ જોઈએ નહિ, એટલી મનમાં તો રીસ ચડે છે. દીકરીને ખાવા ધાન, અને પહેરવા લુગડું એના ઘરનું મલતું નથી, માથે ઘાલવા ધુપેલ સુદ્ધાં અમારે પૂરૂં કરવું પડે છે. દીકરીના દુઃખનો પાર નથી.

રંગલો—ત્યારે એવાને દીકરી દેવાથી શો ફાયદો ?

રઘના૦—નાતજાતમાં આબરૂ મેળવવા ગયા, ભોગ લાગ્યા ભાઈ. જ્યારે માથે વીતે ત્યારે માણસની આંખો ઉઘડે. હવે ગમે તે થાય તોપણ કદી એવા કુળમાં દીકરી દઈએ નહિ. એવી આબરૂમાં ભડકો ઉઠ્યો !!

સોમના૦—(આવીને) બાપા, હું દરબારને કહી આવ્યો. તે હાલ બંદોબસ્ત કરશે.

રઘના૦—જીવરામભટ્ટ, ચાલો. હવે તમને કોઈ કહી શકનાર નથી.

જીવ૦—તમારા ગામનું કોઈ કહે, તો હવે તમે જમાન ખરા.

રઘના૦—અમે તો લોકોને શું કરી શકીએ ? પણ અમારો ઠાકોર બંદોબસ્ત કરશે; એટલે પછી તમને કોણ કહી શકનાર છે ? (એવામાં થાળી પીટાય છે.)

રંગલો—એ ! રઘનાથભટ્ટનો જમાઈ, જીવરામભટ્ટ આપણા ગામમાં આવે છે, તેને કોઈ રતાંધળો કહેશો નહિ, જે કેશે તે દરબારનો ગુન્હેગાર છે. સાદ સાંભળજો !!!

જીવ૦—આ શેનો સાદ છે ?

સોમના૦—તમને કોઈ રતાંધળો કહે નહિ, એવો દરબારની તરફથી સાદ પાડે છે. હવે કોઈ કહે તો અમારો ઠાકોર તેનાં નાક ને કાન કાપે; અને ગામમાં નહિ જાણતા હોય, તે પણ જાણશે કે રતાંધળા કહેવાથી જીવરામભટ્ટ ચીડે છે. માટે હવે કોઈ કહેશે નહિ.

રંગલો

दोहरो

खीजी खामी ढांकतां, लाखो जाणे लोक;

अभिमानी अभिमानथी, फजेत थाये फोक. ३६
(પડદો પડ્યો.)
ગાનારા ગાય છે—"મેલ મિથ્યાભિમાન," (ઇત્યાદી.)
———