પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સોમના૦ – અરે! એ મેલાં હાંલ્લામાં તો ભેંસનું મૂતર હતું. ઊના પાણીનું તો પેલું ઉજળું હાંલ્લું છે.

જીવ૦ – તમને પારકા દુઃખની ખબર પડે નહિ, એટલે હસો છો.

સોમના૦ – કેમ વારૂ?

જીવ૦ – અમે જાણ્યા વગર એમ કર્યું નથી. થુ ! થુ ! થુ ! ! !

રંગલો – જીવરામભટ્ટ દેખતા નથી, એમ તમે જાણશો નહિ.

જીવ૦ – અમારે શરીરે લુખસ થઈ છે, માટે વૈદે કહ્યું છે કે પ્રથમ ભેંશના મૂતરે નહાઇને પછી ઊન્હે પાણીએ નાહવું. એટલે લૂખસ મટી જશે. તેથી અમે પ્રથમ ભેંશના મૂતરે નહાયા. હવે આ ઊન્હે પાણીએ નહાઇશું.

સોમના૦ – ઠીક છે, નહાઓ.


જીવ૦ – (નહાઇને ઉભા થઈને ફાંફાં મારે છે; અબોટિયું જડતું નથી, તેથી નાક ઝાલીને ઊભો રહે છે.)

દેવબા૦ – હવે ઝટ અબોટિયું પહેરો, વાળુ ઠરી જાય છે.

રંગલો – નાક સાંભળે છે, જે નાક છે કે ગયું ?

જીવ૦ – તમે ગામડિયા લોકો શું સમજો? અમે રોજ નહાઇને ત્રણ ઘડી સુઘી પ્રાણાયામ કરીએ છૈએ. ત્યારે આજ એક બે ઘડી સુઘી તો કરીએ.

રઘના૦ – (સોમનાથને) તે અબોટિયું દેખી શકતો નથી માટે ઢોંગ કરે છે. તું જઇને એના હાથમાં અબોટિયું ઝોંસ.

સોમના૦ – લો, આ અબોટિયું પહેરો.

જીવ૦ – (અબોટિયું પહેરીને ઊભો રહે છે.)

દેવબા૦ – વળી કેમ ઊભા થઈ રહ્યા ! ચાલો ઝટ, આવીને આ પાટલે બેસો.

જીવ૦ – અમે અમારા વિચારમાં ઉભા છૈએ. કાંઈ અમસ્તા ઉભા નથી.

દેવબા૦ – વળી શો વિચાર થયો?

રંગલો૦– વિચાર પેલા ભવના નશીબનો!

જીવ૦ – શો તે શો? અમારા સસરાને પૂછોને.

દેવબા૦ – તમારા સસરાને શું પૂંછું? તમેજ કહોને.

જીવ૦ – અમને દશ રૂપૈયાની પાઘડી આપવાની કહી છે, તે આપો તો જમવા બેશીશું; નહિ તો અમારે જમવું નથી.

દેવબા૦ – અત્યારે પાઘડી ક્યાં લેવા જાય? સવારે આપીશું.

રંગલો૦-ત્યારે તમારો સાલ્લો, કે ઘાઘરો કહાડીને આપો.

જીવ૦ – અમારે અત્યારે જોઈએ. પછી તમે સવારે કાંઈ આપો નહિ, માટે કાં તો કોઇને કબુલાવો.

દેવબા૦ – એટલી દશ રૂપૈયાની પણ અમારી સાહુકારી નથી કે?

જીવ૦ – એ તો બઘા સંસારની રીત છે, કે જેને નાણાવટીઓ હજાર રૂપૈયા ધીરતા