પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫૩

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
करे खरेखात विचार खोटा,

मिथ्याभिमानी नर मुर्ख मोटा. ६०

(બંને જણા કુસ્તી કરે છે.)

રંગલો—શાબાશ ! શાબાશ ! જોઈએ હવે કોણ હેઠલ પડે છે, અને કોણ ઉપર ચડી બેસે છે ?

કુતુબ૦—મેં કબી નીચે ગીરનેવાલા નહિ.

રંગલો—વાહ ! વાહ ! જાણે કે ગાયકવાડના પાડા બાઝ્યા. જો ગાયકવાડ મહારજની સ્વારી આટલામાં આવતી હોય અને દેખે, તો બંનેને રાતપ બાંધી આપે. વડોદરાના ચૌતામાં બે આખલા લડતા હતા, તેને જોઈને ગાયકવાડે ખુશી થઈને રાતબ બાંધી આપી હતી.

કુતુબ૦—દેખ લે. અબી નીચે ડાલકે ઉપર ચડ બેસતા હું. (ત્યાં તો મિયાંને હેઠા નાંખીને રજપૂત ઉપર ચડી બેસે છે.)

રંગલો—મિયાં હવે શું કરવા મહેનત કરો છો ? તમે હેઠા પડ્યા, અને ઠાકોર તમારા ઉપર ચડી બેઠા, માટે તમે હારી ચૂક્યા.

કુતુબ૦—(પગ ઊંચો કરીને) અબી દેખને મેરી ટંગડી ઊંચી હે કે નહિ ?

રંગલો૦—ખરી વાત; મિયાં નીચે પડ્યા, પણ મિયાંની ટંગડી હજી ઊંચી છે.

उपजाती वृत्त

खत्ता मळे तोपण खेल खेले,
मिथ्याभिमानी ममता न मेले;
काढे कशा उत्तर केरी कूंची,
पड्या मियां तोपण टांग उंची. ६१

(પડદો પડ્યો.)
——<0>——

ગાનારા ગાય છે.
——<o>——