પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૫૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

उपजाति वृत्त.

धात्वादिक द्रव्यो बुध धूळ देखे,
अनेक आत्मा चिदब्रह्म लेखे;
द्रष्टि विकारे जूजवा जणाशे,
अज्ञानीने भेद अनेक भासे. ६७

માટે અમે તો સઘળા પદાર્થો ધૂળનાજ દેખીએ છીએ. ધૂળમાંથી પેદા થાય છે, ને અંતે ધૂળની ધૂળ.

રંગલો૦ – સાબાસ, બ્રહ્મજ્ઞાની, સાબાસ !

દેવબા૦ – જીવ૦ભટ્ટ, તમે બડા હુંશિયાર તો ખરા.

રંગલો૦ – હજી તો એની હુંશિયારી આગળ જતાં વધારે ખીલશે, જુઓ તો ખરાં.

જીવ૦– કેમ વારૂ?

દેવબા૦ – તમે કોઈ વાતે બોલતાં બંધાતા નથી.

જીવ૦– બોલતા બંધાય તે વળી મરદ કહેવાય કે?

રઘના૦ – જો વળી સારી પેઠે ભણ્યા હોત તો પૃથ્વી ઉપર પગ મૂકત નહિ, અધ્ધર ને અધ્ધર ચાલત.

રંગલો૦ -

उपजाति वृत्त

कुभारजा पुत्र कदी जणे जो,
कुपात्र विद्या वधती भणे जो;
अधर्मीने जो अधिकार आवे,
जुलूम झाझो रुगमां जणावे. ६८

દેવબા૦ – અમારા સોમનાથને છ મહિના તમારી પાસે રાખીને તમારા જેવો હુંશિયાર કરશો?

જીવ૦– તમારા સોમનાથમાં શો માલ છે?

રંગલો૦ – આ વરરાજામાં બહુ માલ છે.

સોમના૦ – (જીવરામભટ્ટને) ત્યારે તમારામાં શો માલ છે? શુક્રવારની ગુજરીમાં જઈને વેચ્યા હોય, તો કોઈ બે પઇસા પણ આપે નહિ.

જીવ૦– અરે અહિં આવતાં રસ્તામાં એક ગામ આવે છે, ત્યાંના તળાવની પાળે કોઈ એક પરદેશી સરદાર ઉતર્યો હતો તેની આગળ કીમિયાની વાત નીકળી, ત્યારે અમે કહ્યું કે બરાબર સામાન હોય, તો અમે રોજ પાંચ રૂપિયાભાર રૂપું બનાવી આપીએ.

રંગલો૦ – ત્યારે તો તુંજ ભિખારી શેનો હોત?

સોમના૦ – પછી તે સરદારે શું કહ્યું ?