પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમારી ચોરીના મુદ્દાનો તપાસ કરવો જોઇએ.

ફોજદાર—કેટલા રૂપૈયાનો તમારો માલ ચોરાયો છે?

રઘના૦—રાજાઘિરાજ બે હજાર રૂપૈયા ખરચતાં મળે નહિ, એવી ચોરી થઇ છે.

ફોજદાર—અરે ! રામ ! રામ ! બિચારા બ્રાહ્મણને ભીખ માગતા કર્યા તો—અરે જમાદાર!

જમાદાર—હાજર સાહેબ!

ફોજદાર—ગઇ રાતે આ બ્રાહ્મણને ઘેરથી ચોર પકડાયો,તેને તમે કાંઇ સમજુતી આપી કે નહિ?

જમાદા૦—અરે! ખાવિંદ, સારી રાત સમજાયા;ઓર અબી તક સમજાયા, લેકિન ઓ તો કુછ કબૂલ કરતાઇ નહિ.

ફોજદાર—(રઘનાથ ભટ્ટને)કેટલા ચોર તમે દીઠા હતા?

સોમના૦—અન્નદાતા, ચાર કે પાંચ હતા, એવું મને લાગે છે.

ફોજદા૦—(જમાદારને) બીજા ચોરોનાં નામ તે ચોર બતાવે છે કે નહિ?

જમાદા૦—નહિ સાહેબ, કુછ નહિ બતાતા. ઓ બમનકું ગાલિઆં દેતા હે ,સો સુનકે હમકું બોત ગુસ્સા લાગતા હે.

ફોજદા૦—તે શું કહે છે?

જમાદા૦—એ તો સાલા કહેતા હે કે મેં તો બમનકા જમાઇ લગતા હું.

ફોજદા૦—ત્યારે એના ઉપર ગાયકાવાડી ખૂબ ચલાવોને? તે વિના કાંઇ કબૂલ કરશે?

રંગલો—(જમાદારને) હં ! એ તો તમે તમારે આંખો મીંચીને ખૂબ માર મારોને ! પછી બધાં સારાં વાનાં થશે.

જમાદા૦—ખાવિંદ,બોત ગાયકવાડી ચલાઇ. એવી તો હમને અબી તલક કોઇ ચોર પર ચલાઇ નહિ હે.

ફોજદા૦— જાઓ, જાઓ ! તેને બેક વધુ સમજુતી આપોઃ અને ગમે તેમ કરીને ચોરીનો માલ પાછો આપે એવું કરો, તો તમને ઇનામ અપાવીશું; અને વળી તમારી તારીફનો રિપોર્ટ કરીશું, તેથી તમને મોટા પગારની જગો મળશે; અથવા ખાનબહાદુરનો ખેતાબ મળશે.

જમાદા૦—અચ્છા સાહેબ, આપકી મહેરબાની.( તે જાય છે.)

રઘના૦—ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ! જ્યારે તે ચોરને ખૂબ દમ ભીડાવશો, ત્યારે તે ચોરીનો મુદ્દો કબૂલ કરશે, નહિ તો નહિ કરે.

ફોજદાર—જમાદારને કાંઇ કહેવું પડે એમ નથી. ચોરને મરણતોલ માર મારશે, પછી તો તમારૂં નશીબ.

રંગલો—ખરીવાત છે,કાંતો નશીબ ઉઘડે છે, ને કાંતો ફૂટે છે.

સોમના૦—અન્નદાતા,જગતમાં રહી શકાય નહિ,એવી અમારે માથે થઇ છે.