પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૬૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રંગલો૦—ક્યાંથી તે ક્યાંથી ? ચિત્રલેખા હરણ કરી લાવી.

જીવ૦— અરે મારા મિથ્યાભિમાને મને આ દશાએ પહોંચાડ્યો. હું હવે બેજા કોઇનો વાંક કાઢતો નથી.

રંઅલો૦— હવે સમજ્યો. આટલા દહાડા તો ખબર પડતી નહોતી.

રઘના૦—(ફોજદારને) મહારાજ, આ તો અમારો જમાઇ છે તેનેજ ચોર લઈ ગયા હતા, બીજી કાંઇ જણસ અમારી ચોરાઇ નથી.

ફોજદા૦—(શિરસ્તેદારને) હવે કેમ કરવું?

રંગલો૦—કેમ કરવું તે શું ? હવે શિરસ્તા પ્રમાણેજ તો.

શિરસ્તે૦—આ કામ અધરથી કહાડી નાંખવું પડશે. નહિ તો વળી એમાંથી સો લફરાં જાગે.

ફોજદા૦—એને ઘેર લઇ જવા દેશું કે?

રંગલો૦—અરે ! અહીં કચેરીમાં ખોરી ઘાલોને !

શિરસ્તે૦—ન લઇ દઇએ તો થોડી વારમાં મરી જાય એવો છે અને જો કામના કાગળો રાખીએ તો સાહેબ કહેશે કે જાહેર કર્યા વિના ઘેર કેમ જવા દીધો ?

ફોજદા૦—ખરી વાત છે, એમજ કરવું પડશે. વારૂ દફતદાર [૧] સાહેબની સલાહ લેશું.

રંગલો૦—એમાં ગફલતદાર સાહેબની સલાહ શી લેવીજ છે ?મારી સલાહ લ્યોને!

શિરસ્તે૦—એમાં દફતરદારની સલાહ લેવાની જરૂર નથી.

રંગલો૦—કાંઇ આવું કામ પહેલવહેલું નથી. દર મહિનામાં ચાર પાંચ કામ અધરથી ઉદાવવાં પડતાં હશે.

જમાદા૦—રાતે વો ક્યા કહેતાથા કે મેં રઘનાથભટ્ટકા જમાઇ હું લેકીન હમે જાના કે એ તો મિજાજમેં બોલતા હે.

ફોજદા૦—(રઘનાથભટ્ટને)જાઓ. હવે એનો ખાટલો તમારે ઘેર લઇ જાઓ.

રંગલો૦—કરજે વળી મિથ્યાભિમાન. રામ બોલો ભાઇ રામ! આવજો આ ગામના બ્રાહ્મણો, મારા જીવરામભટ્ટને મસાણ સુધી પહોંચાડવા. તમે રોતા રોઆ આવશો તો તમારા ઘરના માણાસ મરશે ત્યારે હું પણ રોતો રોતો મસાણ સુધી પહોંચાડવા આવીશ. (મશાલીને ) કેમ અલ્યા! તું આવીશ કે નહિ ? નહિ આવે તો પછી તરી ડોશી મરશે ત્યારે કોણ આવશે?

શિરસ્તે૦—બચારાને જીવતાં મસાણમાં લઇ જવાની વાત શા વાસ્તે કરે છે ? હજી તો જીવે છે.

( પડદો પડ્યો. )

<——૦——>

ગાનારા ગાય છે.

  1. જ્યાં નાટક થતું હોય, ત્યાંના દફતરદારનું કે દિવાનજીનું નામ લેવું.