પૃષ્ઠ:Mithyabhiman-kavi dalpatram dahyabhai book.pdf/૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂત્ર૦—સાબાશ ! હવે મારી ખાતરી થઈ કે તું હાસ્યરસની[૧] પુષ્ટિ કરી શકશે.

રંગલો—હવે આ જંગલમાં પ્રથમ કોણ આવનાર છે તે તો કહો ?

સૂત્ર૦—પ્રથમ રતાંધળો જીવરામભટ્ટ આવનાર છે, તેની સાથે તું વાતચીત કરજે. કેમકે તે પણ તારા જેવો મિજાજી છે.

રંગલો—ઠીક છે, આવવા દો.

<—0—>
પ્રવેશ ૨ જો
(જીવરામભટ્ટ[૨] આવે છે.)
(ગાનારા નીચે મુજબ ગાય છે)
"જીવરામભટ્ટ આવ્યા, જોજો ભાઇ જીવરામભટ્ટ આવ્યા,
"લાકડિ કર લાવ્યા, જોજો ભાઇ જીવરામભટ્ટ આવ્યા."

રંગલો—તાથેઇ, તાતાથેઇ ભલા.

જીવ૦—(ઉભા રહે છે.)

રંગલો—કેમ છે, જીવરામભટ્ટ ?

જીવ૦—(ડોક વાંકી કરીને) કોણ એ !

રંગલો—જાઓ મારા સાહેબ, નથી ઓળખતા કે શું ?

જીવ૦—કાંઇ ઓળખાણ પડી નહિ.

રંગલો—આપણે નજદીકના સગા છીએ, તો પણ તમે ઓળખતા નથી, એ કેવી વાત છે?

જીવ૦—આ અમારા સસરાના ગામની સીમમાં તે અમારૂં નજદીકનું સગું કોણ છે ? શું તું અમારો સાળો છે ?

રંગલો—તમારો સાળો તો તમારી વહુનો ભાઇ હોય તે.શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—

चोबोला छंद
हिंगळानो रंग रातो होय, ने कोयलानो रंग काळो;
भोजो भगत एम भणे जे, वहुनो भाइ ते साळो. ८
તાથેઇ તાથેઇ તાતાથેઇ ભલા.

જીવ૦—ત્યારે તું અમારો સસરો થાય છે?

રંગલો—સસરો તો વહુનો બાપ હોય તે.માટે તમારી વહુને પૂછી જોજો કે હું એનો બાપ છું?

જીવ૦—(ગુસ્સે થઇને) ત્યારે તું અમારો શો સગો થાય છે?

  1. આ વિકૃતવાણીજન્ય ઉપહસિત ભેદ થયો.
  2. ઘરડો, ધોળી દાઢી,ખંભે ખડીઓ,તુંબડું—દોરી,હાથમાં લાકડી,દેખાતો દરિદ્રી,ગાનારાના તાળ પ્રમાણે પગલાં માડતો વૃધ્ધની પેઠે ચાલતો આવે.