આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


તજી આઠ અંતેઉરી, કાઢી દીક્ષાની વાત,
ચારિત્ર લઇને, કિધો મુક્તિનો સાથ ૫૬

શ્રી અનેક સેનાદિક, છયે સહોદર ભાય
વસુદેવના નંદન; દેવકી જ્યારે માય ૫૭

ભદ્દીલપુર નગરી; નાગ ગાહાવઈ જાણ
સુલસા ઘેર વધીયા, સાંભળી નેમિની વાણ ૫૮

તજી બત્રીસ અંતેઉરી, નીકળીયા છટકાય
નળ કુબેર સમાણા, ભેટ્યા શ્રી નેમિના પાય ૫૯

કરી છઠ્ઠ છઠ્ઠ પારાણા, મનમેં વૈરાગ્ય લાય
એક માસ સંથારે, મુક્તિ બિરજ્યા જાય ૬૦

વળી દારણ સારણ, સુમુખ દુમુખ મુનિરાય
વળી કુંવર અનાદ્રષ્ટિ, ગયા મુક્તિ ગઢમાંય ૬૧

વસુદેવના નંદન, ધન્ય ધન્ય ગજસુકુમાર
રૂપે અતિ સુંદર, કળાવંત વય બાળ ૬૨

શ્રી નેમિ સમીપે, છોડ્યો મોહ જંજાળ
ભિક્ષુની પડિમા, ગયા મસાણ મહાકાળ ૬૩

દેખી સોમિલ કોપ્યો, મસ્તકે બાંધી પાળ
ખેર તણા ખીરા, શિર ઠવિયા આસરાળ ૬૪

મુનિ નજર ન ખંડી, મેટી મનની જાળ
પરીસહ સહીને, મુક્તિગયા તત્કાળ ૬૫

ધન્ય જાલી મયાલી, ઉવયાલાદિક સાધ
સાંબને પ્રદ્યુમન, અનિરુદ્ધ સાધુ અગાધ ૬૬

વળી સચ્ચનેમિ દૃઢનેમિ, કરણી કીધી નિર્બાધ
દશે મુક્તે પહોંચ્યા, જિનવર વચન આરાધ ૬૭