આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉન જિયોવાની
૯૩
 

નામની એક છોકરીને પટાવીને જિયોવાનીએ એનું શિયળભંગ કરેલું એ જ આ છોકરી. થોડી જ વારમાં જિયોવાની અને એલ્વિરા ઝાડીમાં સામસામે થાય છે અને એકબીજાની આંખોમાં નજર પરોવે છે. એલ્વિરા તરત જ જિયોવાનીને ઓળખી કાઢે છે કારણ કે જિયોવાનીએ એને ભૂતકાળમાં છેતરી છે. પણ હજારો છોકરીઓ જોડે રંગરેલિયાં મનાવી ચૂકેલા જિયોવાનીને દરેક છોકરી થોડી કંઈ યાદ રહે ? એ નથી ઓળખી શકતો પણ એટલું કળી શકે છે કે કોઈ પ્રેમીએ તરછોડેલી આ એક રૂપાળી પણ બિચારી દુઃખી છોકરી છે. તો એને પટાવી લેવાની તક શું જતી કરાય ? પણ ત્યાં જ એલ્વિરા ઉગ્ર અવાજમાં એને ધમકાવે છે અને કહે છે, “ત્રણ દિવસ મારી જોડે રોમાન્સ કરીને કેમ ભાગી ગયો ?” અને ભૂતકાળનું વિગતવાર બયાન આપવું શરૂ કરે છે. એ બોલતી રહે છે ને જિયોવાની અગત્યના કામનું બહાનું ધરીને છટકીને ભાગી જાય છે તથા પોતાનો હવાલો લેપોરેલોને સોંપતો જાય છે. એટલે એલ્વિરા ઓર ક્રોધે ભરાય છે અને અત્યારે પણ પોતાને પડતી મૂકીને ચાલ્યા જવાથી પોતાને થયેલા આ નવા અપમાનનો બદલો પણ જૂના અપમાનના બદલા ભેગો વાળશે એમ જાહેર કરે છે; અને પછી હીબકાં ભરીને રડવા માંડે છે. લેપોરેલો એને શાંત કરવા મથામણ કરે છે અને જિયોવાનીની હરકતોને ગંભીરતાથી નહિ લેવા સલાહ આપે છે, “મારા માલિકનાં પ્રેમપ્રકરણોમાં તું કાંઈ પહેલી છોકરી નથી, એમ છેલ્લી છોકરી પણ નથી.” પછી પોતાના ખિસ્સામાંથી નાની ચોપડી કાઢીને જિયોવાનીએ કરેલાં લફરાંઓનું કેટલોગ બતાવીને આગળ બોલે છે : “ઇટાલીમાં છસો ચાળીસ, જર્મનીમાં બસો એકત્રીસ, ફ્રાંસમાં સો, તુર્કીમાં એકાણું પણ અહીં સ્પેનમાં તો એક હજાર ને ત્રેતીસ છોકરીઓ જોડે મારા માલિકે લફરાં કર્યાં. એમાં દરેક પ્રકારની છોકરી સામેલ છે – નોકરાણી, શેઠાણી, રાજકુંવરી, રાણી, શિક્ષિકા, આયા, ગાયિકા, નાટકની અભિનેત્રી અને ખેતમજૂરણ. દરેક ઘાટઘૂટની છોકરી