આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કોસી ફાન તુત્તી
૧૦૩
 


નજરે આ બે બહેનો પ્રત્યે પ્રેમ જાહેર કરે છે તેથી બંને બહેનો ગુસ્સાપૂર્વક એમને ધૂત્કારીને કાઢી મૂકે છે. એ બંને બહેનો ઓળખી શકતી નથી કે પોતાની પ્રત્યે પ્રેમ જાહેર કરનાર જુવાન પોતાની બહેનનો જ મંગેતર છે. પોતાના પ્રેમને ઠુકરાવવામાં આવતાં બંને જુવાનો નિરાશ થઈને ઝેર લેવાનું નાટક કરે છે અને ડૉક્ટરના છદ્મવેશમાં ડૅસ્પિના એ બંનેને બચાવી લેવાનું નાટક કરે છે. છતાં બંને દૃઢનિશ્ચયી બહેનો અડગ રહે છે.

અંક – 2

‘એલ્બેનિયન’ જુવાનોને ફરીથી નસીબ અજમાવવા ડૅસ્પિના ચાનક ચડાવે છે. ફૅરાન્ડોએ આપેલો મેડલ ડોરબેલા એલ્બેનિયનના છદ્મવેશમાં આવેલા ગુગ્લીમોને પેન્ડન્ટના બદલામાં આપી દે છે. પણ આ બાજુ ફિયોર્દીલીગી પ્રેમભેટોની અદલાબદલી કરવા માટે જલદી તૈયાર થતી નથી. તેથી ગુગ્લીમોને ડોરાબેલા સાથે ફ્લર્ટ કરવામાં સહેલાઈથી મળેલી સફળતાથી ફૅરાન્ડો ધૂંધવાય છે, તથા છોકરીઓ ચારિત્ર્યહીન હોય છે એ વાત એના મનમાં પાકી બેસી જાય છે. આ બાજુ ડૅસ્પિના અને ઍલ્ફોન્સો દુઃખી ફિયોર્દીલીગીને સમજાવ્યા કરે છે કે એણે હવે એલ્બેનિયનને સ્વીકારી લેવો જોઈએ, ગુગ્લીમો કદી પાછો આવશે નહિ. પણ એથી તો ફિયોર્દીલીગી વીફરે છે અને રણમોરચે ગુગ્લીમોને મળવા જવા અધીરી બને છે. પણ એલ્બેનિયનના વેશમાં ફૅરાડોની પોતાને માટેની વિવશતા જોઈ શકવી પણ એને માટે અસહ્ય બનતાં એ ફૅરાન્ડોને આખરે સ્વીકારી લે છે. આ બધું છુપાઈને જોઈ રહેલો ગુગ્લીમો ક્રોધથી રાતો પીળો થઈ જાય છે.

ગુગ્લીમો અને ફૅરાન્ડો બંને પોતાની મૂળ સગાઈ તોડી નાખવા તત્પર બન્યા છે, પણ ઍલ્ફોન્સો એમને ઠંડા પાડે છે અને કહે છે : “કોસી ફાન તુત્તી (બધી એવી જ હોય છે.)”.