આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
મોત્સાર્ટ અને બીથોવન
 

કઢંગા વર્તનથી ઝઘડા ઊભા થાય એ પહેલાં જ એના શુભેચ્છક મિત્રો બાજી સંભાળી લઈ આપત્તિને ટાળી દેતા. એના દિલોજાન મિત્રોને એને માટે ખરેખર ખૂબ આદર અને પ્યાર હતો. બીથોવને જેના ઘરમાં મહેમાન બનીને ધામા નાંખેલા એ પ્રિન્સ લિખ્નોવ્સ્કી પણ ઘણો જ સમજદાર અને સહનશીલ હતો. એના ઘરમાં તો બીથોવનનાં નખરાંએ ઉધમપાત મચાવેલો. પણ નમતું જોખીને લિખ્નોવ્સ્કીએ નોકરને આદેશ આપેલો કે જો બીથોવનનો અને પોતાનો કૉલબેલ એક જ સાથે વાગે તો બીથોવનની સેવામાં એણે પ્રથમ હાજર થવું. ફાટ ફાટ થતી વિરાટ પ્રતિભાને કારણે બીથોવનનું અભિમાન પણ એટલું બધું હતું કે પોતાના મિજાજ પર કાબૂ રાખવાનું એને પોતાને માટે જ મુશ્કેલ થઈ પડેલું. એ હંમેશાં ગુના આચરવાની તાકમાં જ રહેતો અને સામેના માણસની લાગણીનો તો વિચાર સુધ્ધાં કરતો નહિ. પણ બીજી જ ક્ષણે એને પ્રખર ક્રોધ જેટલો જ ઊંડો પસ્તાવો થતો. મિત્ર વૅજિલર સાથે પણ આમ જ બન્યું. પેટ ભરીને પસ્તાયા પછી બીથોવને એને કાગળ લખ્યો :

હે પ્રિય ! હે શ્રેષ્ઠ ! મારી કેવી ધૃણાસ્પદ અને હલકટ બાજુને તેં ખુલ્લી પાડી છે ! હું સ્વીકારું છું કે તારી મિત્રતાને હું લાયક જ નથી. તું કેટલો ઉમદા છે ! કેટલો દયાળુ છે ! આ પહેલી જ વાર હું તારી સમકક્ષ થવા ગયો અને મને ભાન થઈ ગયું કે હું કેટલો નીચ છું, અને તું કેટલો મહાન છે ! તને લાગતું હશે કે મેં મારા હૃદયની માનવતા ગુમાવી દીધી છે. પણ ઈશ્વરની કસમ ખાઈને કહું છું કે જાણી જોઈને કે હેતુપૂર્વકના દ્વેષભાવને કારણે મેં તારી સાથે આવું વર્તન કર્યું નથી; પણ મારી વિચારહીનતા આ વર્તન માટે જવાબદાર છે, જેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય જ નહિ. એ વિચારહીનતાને કારણે મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. માત્ર તારી સામે આવતાં જ નહિ, પણ મને મારી જાત સામે આવતાં