આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૩૧
 

પણ શરમ આવે છે. પહેલાં તો હું સારો હતો, હંમેશાં સાચી વર્તણૂક કરતો અને સાચાં મૂલ્યો અનુસાર ચાલતો. નહિતર તું મને કેવી રીતે પ્રેમ કરી શક્યો હોત ? શું આટલા જ ટૂંકા ગાળામાં હું આટલો બધો ખરાબ થઈ ગયો ? અશક્ય ! વાજબીપણા માટેની અને ન્યાયપ્રિયતાની લાગણી મારી અંદર ક્ષણાર્ધમાં જ કાંઈ મરી પરવારે નહિ ! પ્રિય વૅજિલર ! તારા આ બીથોવનની મિત્રતા ફરી એક વાર સ્વીકારવાનું સાહસ કર ! હું સાચા દિલથી તારી માફી માંગું છું, ભીખ માંગું છું. હું બે હાથ પહોળા કરીને ઊભો છું. તું એમાં ઝંપલાવ. વિશ્વાસ રાખ, પહેલાં તેં જોયેલા એ જ સદ્‌ગુણો ફરી એક વાર મારામાં જોવા મળશે. પવિત્ર મિત્રતાનું નિષ્કલંક મંદિર ફરી એક વાર તું બાંધ. હું તને ખાતરી આપું છું કે તે હંમેશાં અક્ષુણ્ણ રહેશે. કોઈ પણ અકસ્માત કે છે. કોઈ પણ વાવાઝોડું એના પાયા હચમચાવી શકશે નહિ. મારો ગુનો માફ કર. ગઈગુજરી ભૂલી જા. ફરીથી દોસ્તી માટે લંબાવેલા મારા આ હાથને પકડી લે. બસ, માત્ર એક જ વાર તારી જાતને મારામાં મૂકીને જો. મારા ગુમાવેલા મિત્રને પાછો મેળવવા હું તારી પાસે આવું છું. હું મારી જાતને તારામાં સોંપી દઈશ અને તું તારી જાત મને સોંપી દેજે.

– તને પ્રેમ કરતો, તને કદી નહિ ભૂલનારો તારો
પસ્તાયેલો બીથોવન
 

ધ ગ્રેટ મોગલ

એ હવે ત્રીસ વરસનો થવા આવેલો અને એની મહત્તા વધતી જ જતી હતી. વિયેનામાં એના ચાહકો વધતા જતા હતા તો સાથે સાથે એના હરીફો અને દુશ્મનો પણ વધતા જતા હતા. વિયેનાના ડ્રૉઇન્ગરૂમ્સમાં સંગીતકારો ગાયનવાદનની હરીફાઈ કરી પોતાની ચઢિયાતી શ્રેષ્ઠતા પુરવાર કરતા રહેતા. વળી વિયેના બહારથી આવેલા સંગીતકાર માટે એવો વણલખ્યો નિયમ જ હતો કે સ્થાનિક