આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૪૯
 


ઉપરથી બીથોવને છ સોનાટા લખી આપવાના હતા. થોડાં વર્ષો પછી બીથોવને એ મુજબના છ સોનાટા લખીને એ સોદો પૂરો કર્યો.

એ જ વર્ષે 1803માં બીથોવને પ્રિન્સ લિખ્નોવ્સ્કીનો મહેલ છોડી ભાઈ કાર્લ જોડે રહેવું શરૂ કર્યું. પ્રકાશકો અને જલસાના આયોજકો સાથે વાટાઘાટો કરવામાં કાર્લ બીથોવનનો સફળ સેક્રેટરી સાબિત થયો. પણ એના ધંધાદારી કાગળો વાંચતાં તો એ સાવ ફાંકેબાજ ગધેડો જ હોય એવું લાગે છે ! કદાચ એવું પણ હોય કે ફાંકેબાજ બીથોવને જ એને એવા કાગળો લખવાની સૂચના આપી હોય !

શિકેનેડરે પોતાના થિયેટર માટે બીથોવનને ઑપેરા લખવાનું કામ સોંપ્યું. પોતે જ લખેલા લિબ્રેતો ઉપર જ બીથોવને ઑપેરા લખવાનું વિચાર્યું; તેનું નામ પણ નક્કી કરી નાંખેલું : ‘વેસ્તાસ ફ્‌યુઅર’. પણ આ યોજના કદી ફળીભૂત થઈ નહિ. એ વખતના પૅરિસના એક શ્રેષ્ઠ વાયોલિનીસ્ટ રૂડોલ્ફ ક્રુઇત્ઝરને તેણે વાયોલિન અને પિયાનો માટેનો એક સોનાટા લખી અર્પણ કર્યો જે ‘ક્રુઇત્ઝર’ નામે ઓળખાયો. કેન્ટાટા ‘મીરેસ્ટીલે ઉન્ડ ગ્લુક્લીએ ફાર્ટ’ લખી તેણે ગથેને અર્પણ કર્યો. રૌદ્ર રસથી તરબતર પિયાનો કન્ચર્ટો નં. 5 લખ્યો. બીથોવનની પાંચમી સિમ્ફનીને હૉફમેને સૌથી વધુ સાદી સૂરાવલિઓ વડે બનતી બોલકી સિમ્ફની તરીકે ઓળખાવી છે. બીથોવનની છેલ્લી નવમી સિમ્ફનીમાં ફ્રેંચ નવલકથાકાર રોમાં રોલાંને સમગ્ર વિશ્વ પ્રત્યેની બીથોવનની અનુકંપા નજરે પડી છે. બીથોવને ભલે મોત્સાર્ટની જેમ ફ્રીમેસન સંપ્રદાય અંગીકાર કર્યો નહિ, પણ અહીં કવિ શીલરના કાવ્ય ‘ઓડ ટુ જૉય’ની બીથોવને કરેલી પસંદગીમાં વિશ્વબંધુત્વનો ભાવ મોત્સાર્ટ જેવો જ જણાય છે. જૉસેફ ક્રીપ્સના અભિપ્રાય મુજબ નવમી સિમ્ફની બીથોવનનું શ્રેષ્ઠ સર્જન છે. ફ્રેંચ સંગીતકાર હૅક્ટર બર્લિયોઝના માનવા મુજબ બીથોવનના સમગ્ર