આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ અને બીથોવન
 


નહોતી. (અને નોટેશનસ્કોર વિના તો સંગીત તરત જ સમયમાં ઓગળી જાય છે.) ઇંગ્લૅન્ડ અને જર્મનીના સાહિત્યકારો તેમ જ ફિલસૂફો તેનાથી તદ્દન ઊંધા એવા રોમૅન્ટિસિઝમની તરફદારી કરી રહેલા, જેમાં કલાકૃતિની આકૃતિ કે ઘાટઘૂટની પરવા કર્યા વિના હૃદયના ઊંડાણમાં પડેલી અતૃપ્ત વાસનાઓ, દર્દો અને અભિલાષાઓ પ્રકટ કરવી ફરજિયાત બને છે. હાયડનની પાછલી કૃતિઓ, અને મોત્સાર્ટની તો બધી જ કૃતિઓમાં અંતરની ઊર્મિઓનો ઊભરો ઠલવાતો જોવા મળે છે. બીથોવનમાં તો એ એથી પણ વધુ મુખર બને છે.

પરસ્પર વિરોધી પ્રકૃતિની સૂરાવલિઓને સાથે મૂકીને, તીવ્ર અને મંદ ગતિઓમાં તાર અને મંદ્ર સપ્તકોના સ્વરોની સહોપસ્થિતિઓ ઊપજાવીને જી. સી. વાજેન્સીલ અને કાર્લ ડીટર્સ ફૉન ડીટર્સ્ડોર્ફે પ્રારંભિક સિમ્ફની, કન્ચર્ટો, ક્વીન્ટેટ અને ક્વાર્ટેટના ઘાટનો વિકાસ કર્યો. સ્કાર્લૅતી અને સી.પી.ઈ. બાખે પણ આ શૈલીના વિકાસમાં ફાળો આપ્યો. અને હાયડને આ શૈલીને પૂર્ણતાએ પહોંચાડી જે ‘ફર્સ્ટ મૂવમેન્ટ સોનાટા’ને નામે ઓળખાઈ. એમાં પહેલી ગત તીવ્ર ઝડપની અને ઉત્સાહસભર ‘એલેગ્રો’ કે ‘એલેગ્રેતો’ હોય છે. પછીની એકબે ગત ધીમી શિથિલ ગતિની ‘એડાજિયો’ કે ‘આન્દાન્તે’ હોય છે. અને ફરી પાછી તીવ્ર ઝડપની ગત યોજાતી. એક વાજિંત્ર માટેનો સોનાટા હોય કે બહુ વાજિંત્રો માટેની સિમ્ફની હોય, સંગીતનું મૂળભૂત માળખું આ જ હતું. ફ્રેંચ વિદ્વાન ઈ. બોરલે સિમ્ફનીની વ્યાખ્યા આપતાં કહેલું : “અલગ અલગ અવાજો ધરાવતાં વિવિધ વાજિંત્રોનો સામૂહિક સોનાટા એ જ સિમ્ફની છે.”

એ જમાનામાં પ્રિય વાજિંત્રો પિયાનો અને વાયોલિન હતાં. મોટા ભાગનાં કન્ચર્ટો તેમ જ ચૅમ્બર મ્યૂઝિક આ જ બે વાદ્યો માટે લખાયાં. બાસૂન, ઓબો, શોન, ક્લેરિનેટ, હાર્પ અને વાંસળી માટે પ્રમાણમાં ઓછું સંગીત લખાયું. વાજેન્સિલ, હાયડન, સ્ટૅમીટ્ઝ,