આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બીથોવન
૧૫૦
 


સંગીતમાં તેની નવમી સિમ્ફની વગાડવાની દૃષ્ટિએ સૌથી વધુ અઘરી છે. પોતાના છેલ્લા પિયાનો સોનાટાઓ, નવમી સિમ્ફની અને ‘મિસા સોલેમિસ’ રચી લીધા પછી 1825માં બીથોવન ફરી વાર સ્ટ્રીન્ગ ક્વાર્ટેટના રૂપ તરફ આકર્ષાયેલો. આ છેલ્લા તબક્કાના તેના પાંચ સ્ટ્રીન્ગ ક્વાર્ટેટ (નં. 12, 13, 14, 15 અને 16) તથા બીજી એક રચના ‘ગ્રોસ ફ્‌યુગ’ (ઓપસ 133) આજે બીથોવનના સર્જનનાં ઉત્તુંગ શૃંગો ગણાય છે. રોમાં રોલાંને તેમાં ટ્રેજેડીનાં ચરમબિંદુઓ દેખાયાં છે, ઉપરાંત કંટાળો, ઘરઝુરાપો, ક્રોધાવેશ અને કોરી ખાતી એકલતામાંથી છુટકારો પામવાની તેની મથામણો પણ નજરે પડી છે. પંદરમા સ્ટ્રીન્ગ ક્વાર્ટેટની ગત ‘સૉન્ગ ઑફ ગ્રેટીટ્યુડ ટુ ધ ડિવાઇન સ્પિરિટ ફ્રૉમ એ કોન્વાલેસેન્ટ ઇન ધ લિડિયન મોડ’માં સોળમી સદી જેવી પોલિફોની સંભળાય છે. શું બીથોવને હેતુપૂર્વક જ્વેસ્વાલ્દો કે આર્લોન્દો દ લાસોનું અનુકરણ કર્યું ? એમ કર્યું હોય એવું લાગતું તો નથી જ; કારણ કે બીથોવને પોતે જ કહેલું કે, “એ પૂર્વસૂરિ સંગીતકારોના મનોગતમાં ઊતર્યા વિના કરેલી નકલખોરી તદ્દન નિરર્થક છે.”

ફિડેલિયો

બીથોવનના એકમાત્ર ઑપેરા ‘ફિડેલિયો’નો પ્રીમિયર શો વિયેનામાં 1805ના નવેમ્બરની વીસમીએ થયો. કંગાળ રિહર્સલ્સની સીધી અસર એ પ્રીમિયર શો પર પડેલી. ગાયકોએ તદૃન વેઠ ઉતારેલી. ત્રણ રાત્રીના ત્રણ શો પછી એ ફ્લૉપ ગયો. એની આવી હાલત થવાને કારણે બીથોવને મનમાં મક્કમ ગાંઠ વાળી કે હવે પછી ઑપેરાનો સ્પર્શ પણ કરવો નહિ, એવી વાયકા પ્રચલિત છે. પણ આ વાયકા નિરાધાર છે. પછીનાં થોડાં વરસો સુધી બીથોવન સતત સારી ટેક્સ્ટ – લિબ્રેતો – ની શોધમાં હતો. થોડો વખત એણે ‘મૅકબેથ’ વિશે વિચાર્યા પછી એનું ધ્યાન ગથેના ‘ફૉસ્ટ’ ઉપર ઠર્યું.