આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
 


સ્ટૅર્ઝર, લિયોપોલ્ડ હોફમેન અને મોન્સ્ટાર્ટના પિતા લિયોપોલ્ડ મોત્સાર્ટે શિસ્તબદ્ધ કૃતિઓ લખી. એકલવાજિંત્રોનું નાનકડું જૂથ મોટા ઑર્કેસ્ટ્રા સાથે સંવાદ રચે એ ‘કન્ચર્ટો–ગ્રોસો’ ઘાટમાંથી એ બધાએ એકલ–વાજિંત્ર અને મોટા ઑર્કેસ્ટ્રા સાથેનો સંવાદ ‘કન્ચર્ટો’ નિપજાવ્યો.

જૉસેફ હાયડન (1732-1809)

મોત્સર્ટ હજી તો સાવ છોકરડો હતો ત્યારે હાયડન બુઝુર્ગ સંગીતકાર હતો. હાયડન મોત્સાર્ટ કરતાં ચોવીસ વરસ મોટો હતો. બંનેને પરસ્પર આદર હતો, અને મોત્સાર્ટના મૃત્યુ પછી એ અઢાર વર્ષ જીવ્યો. તે છતાં હાયડન મોત્સાર્ટ પાસેથી નવી લઢણો અપનાવી લેતાં જરાય ખમચાયેલો નહિ. એની ‘લંડન’ સિમ્ફની પર મોત્સાર્ટનો ભારે પ્રભાવ છે. છ સ્ટ્રીન્ગક્વાર્ટેટનું એક જૂથ મોત્સાર્ટે હાયડનને અર્પણ કરેલું. હાયડન આજે પણ યુરોપના શ્રેષ્ઠ સંગીતકારોમાં સ્થાન પામે છે. ગાડાનાં પૈડાં બનાવનાર સુથારનો એ પુત્ર હતો. નાનો છોકરો હતો ત્યારથી વિયેનાના સેંટ સ્ટીફન કથીડ્રલમાં ઊંચા સપ્તકોમાં એ ગાતો, પણ તેરચૌદ વર્ષે અવાજ ફાટતાં એ કામ પડતું મૂકવું પડ્યું. એણે રચેલી અદ્‌ભુત સિમ્ફનીઓ હુલામણા નામે પ્રચલિત થઈ : ફૅરવેલ, ક્લોક, સર્પ્રાઈઝ, મિલિટરી, ડ્રમ રૉલ, બૅર, આદિ. ફળદ્રુપ સર્જકતા ધરાવતા આ સંગીતકારે 103 સિમ્ફનીઓ, 84 સ્ટ્રિન્ગક્વાર્ટેટ્સ, 14 માસ, ઉપરાંત ઘણાં ઓરેટોરિયો અને કેન્ટાટા લખ્યાં. એનાં ઓરેટોરિયો ‘ધ ક્રિએશન’(1798) અને ‘ધ સિઝન્સ’ (1801) એની સર્જકતાનાં શ્રેષ્ઠ શિખરો ગણાય છે. ‘ધ ક્રિએશન’માં એણે બાઇબલ અને મિલ્ટનના ‘પૅરેડાઇઝ લૉસ્ટ’માંથી લીધેલા અંશોને સંગીતબદ્ધ કર્યા છે. ‘ધ સિઝન્સ’માં એણે જેઈમ્સ થૉમ્સનની એ જ નામની કૃતિને સંગીતબદ્ધ કરી છે. બંને કૃતિઓ પર લંડનમાં સ્થાયી થયેલા જર્મન સંગીતકાર હૅન્ડલની ઘેરી અસર છે.