આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ અને બીથોવન
 

 મોત્સાર્ટનું નામ

જે સંગીતકારને દુનિયા આજે વુલ્ફગૅન્ગ એમેડિયસ મોત્સાર્ટ તરીકે ઓળખે છે તેનું મૂળમાં નામસંસ્કરણ થયેલું – જોએન્સ ક્રિસોસ્ટોમસ વુલ્ફગૅન્ગ થિયોફિલસ. ઘરના સભ્યો અને મિત્રો એને હુલામણા ‘વુફી’ નામથી બોલાવતા. ઈટાલીની એક યાત્રા વખતે એણે પોતાના નામમાં રહેલા ગ્રીક ‘થિયોફિલસ’ને પહેલાં જર્મન ‘ગૉટ્લીબ’ અને પછી લૅટિન ‘એમેડિયસ’માં ફેરવી નાંખ્યો. ‘વુલ્ફગૅન્ગ એમેડી’ એવી સહી એ પત્રોમાં કરતો. ગ્રીક શબ્દ થિયોફિલસ, જર્મન શબ્દ ગોટ્લીબ અને લૅટિન શબ્દ એમેડી, એમેડિયસ તથા એમેડિયોનો અર્થ છે : ઈશ્વરનો વહાલો.

મોત્સાર્ટ કુટુંબ

મોત્સાર્ટના દાદાના દાદા ડેવિડ ઑગ્સ્બર્ગમાં કડિયાનો વ્યવસાય કરતા અને નાનોમોટો વેપાર કરતા. પણ દાદા જ્યૉર્જ બુકબાઇન્ડર બન્યા. દાદા જ્યોર્જ મોત્સાર્ટે (1679-1736) બીજું લગ્ન આના મારિયા સુલ્ઝર (1696-1766) સાથે 1708ની પહેલી ઑક્ટોબરે કરેલું. આ યુગલનો સૌથી મોટો પુત્ર લિયોપોલ્ડ 1719ની ચૌદમી ઑક્ટોબરે જન્મેલો. એ જ પુત્ર મહાન સંગીતકારનો પિતા બનવાનો હતો. એને બીજા ચાર ભાઈઓ હતા, જેમાંથી એક તો પિતાના બુકબાઈડિંગના વ્યવસાયમાં જ પડ્યો; અને બીજા ત્રણ બાળપણમાં જ અવસાન પામેલા. મોત્સાર્ટ કુટુંબ ચુસ્ત રોમન કૅથલિક હતું.

શરૂઆતમાં લિયોપોલ્ડે ચર્ચમાં પાદરી બનવાનું નક્કી કર્યું. પણ એ માટેના ધાર્મિક ગ્રંથોના અભ્યાસમાં એનું મન કદી ચોંટ્યું નહિ. ચર્ચના કોયરમાં છોકરા તરીકે ઊંચા સપ્તકોમાં ગાવાની એને મજા પડતી. પછી એણે વકીલ બનવાનું નક્કી કર્યું. 1737માં અઢાર વરસની ઉંમરે સાલ્ઝબર્ગ યુનિવર્સિટીમાં કાયદાના અભ્યાસ માટે એ જોડાયો. પરીક્ષામાં લૉજિકના પેપરમાં એ ઝળકી ઊઠતાં ઑગ્સ્બર્ગના સાંતા ઉલ્રીખ ચર્ચના