આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
મોત્સાર્ટ અને બીથોવન
 


તે લગભગ અંધ હતી. પિતા લિયોપોલ્ડની ચિંતાગ્રસ્ત અને વિષાદગ્રસ્ત પ્રકૃતિ તેને કદાચ વારસામાં મળેલી.

મોત્સાર્ટના મોટા ભાગના જીવનકથાકારોએ લિયોપોલ્ડની ખૂબ કડક આલોચના કરી છે. સ્વાર્થી ધંધાદારી હેતુઓ માટે થઈને એણે કુમળી વયનાં પોતાનાં બે બાળકોનું બેહદ શોષણ કર્યું એવો આક્ષેપ તેની પર મૂકવામાં આવે છે. મોત્સાર્ટની વિલક્ષણ શિશુપ્રતિભાનું પ્રદર્શન કરવા માટે લિયોપોલ્ડે એને યુરોપભરમાં વરસો સુધી ઢસરડીને એના શારીરિક બંધારણ અને તબિયતનો દાટ વાળ્યો, જેને કારણે પાંત્રીસ વરસની કાચી ઉંમરે જ એની જિંદગીનો અંત આવ્યો. ખેલકૂદની તક ધરાવતું એક સામાન્ય બાળપણ બિચારા મોત્સાર્ટને મળેલું જ નહિ. હમઉમ્ર બાળકો સાથે એણે કોઈ ધિંગામસ્તી, શેતાની, તોફાન, ધાંધલધમાલ કે બારકસવેડા કરેલાં નહિ. યુરોપના રાજાઓ સમક્ષ પોતાના બાળકની પ્રતિભાનું પ્રદર્શન કરીને એ બાળકની કારકિર્દી વહેલામાં વહેલી તકે સુરક્ષિત બનાવવા સિવાય લિયોપોલ્ડને બીજો કોઈ જ ખ્યાલ આવતો નહિ. પોતાની નોકરીમાં એ દારૂડિયા અને જડ રોચા જેવા સહકાર્યકરોથી ઘેરાયેલો રહેતો. થોડી સંકુચિત પ્રકૃતિનો એ માણસ દૃઢનિશ્ચયી હતો, અને મોત્સાર્ટની કદર કરે એવી વ્યક્તિની શોધમાં એ પહેલેથી જ માત્ર જાગ્રત જ નહિ પણ ચિંતાતુર પણ બની ગયેલો. પોતાના જીવનનાં અંતિમ વરસોમાં તો એ પોતાની કારકિર્દીથી એટલો બધો હતાશ થઈ ગયેલો કે તણાવ, વિષાદ અને ઉદ્વેગની સ્થિતિમાં આવી ગયેલો. ચિત્રોમાં પણ એ બિચારો ચિંતાગ્રસ્ત જ દેખાય છે. દરેક માણસ ઉપર કુશંકા કરવાની આદત એણે કેળવેલી. દીકરા મોત્સાર્ટને એણે 1777માં લખેલું :

બધા જ માણસો ખરાબ હોય છે. જેમ જેમ તું મોટો થતો જશે અને દુનિયાનો અનુભવ મેળવતો જશે તેમ તેમ આ સાદા સત્યનો પરચો તને થતો જશે. યાદ કર, તને આપેલાં