આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૧૩
 

વચનોમાંથી લોકોએ કેટલાંનું પાલન કર્યું ? કોઈની પણ ઉપર ભરોસો મૂકી શકાય નહિ.

બાળપણ

બાળ મોત્સાર્ટમાં સંગીતની અભૂતપૂર્વ પ્રતિભા પડેલી છે એનો ખ્યાલ આવતાં લિયોપોલ્ડને વાર લાગી નહિ. ચાર વરસની ઉંમરે મોત્સાર્ટ ક્લેવિયર અને વાયોલિન વગાડતાં શીખી ગયેલો એટલું જ માત્ર નહિ, પણ છ વરસની ઉંમરે એણે મૌલિક કૃતિઓનું સર્જન શરૂ કરી દીધેલું ! પ્રારંભથી જ એની કૃતિઓમાં અપૂર્વ લાવણ્ય અને નજાકત પ્રગટ્યાં. એનો કાન પણ અતિ સંવેદનશીલ હતો. એક સ્વરના આઠમા ભાગનો શ્રુતિફેર પણ એ પકડી પાડતો. વળી, વાયોલિનના સૂરમાં આગલા દિવસ કરતાં આજે આટલો બારીક ફેર છે એમ એ સ્મૃતિથી કહી શકતો. મોટી બહેન નૅનર્લ પણ પ્રતિભાશાળી હતી. એ બંનેને છેક બાળપણથી જ લિયોપોલ્ડે કાળજીપૂર્વક સંગીતનું શિક્ષણ આપ્યું હતું. મોત્સાર્ટને તો ગણિત તરફ પણ આકર્ષણ હતું. મોત્સાર્ટ મોટો થયો એ પછી લિયોપોલ્ડે મોત્સાર્ટને એક પત્રમાં લખેલું :

“બાળપણમાં તું સહેજેય બાલિશ નહોતો, ઊલટાનો ધીરગંભીર રહેતો હતો. તારી સાથે હસીમજાક કરવાની કોઈની હિંમત નહોતી. ક્લેવિયર કે બીજાં વાજિંંત્રો ઉપર તું જ્યારે સંગીત વગાડતો તે વખતે તારા મોંના ભાવ એટલા બધા તો વિચારમગ્ન અને ગમગીન રહેતા કે તું લાંબુ જીવી શકીશ નહિ એવી શંકા દેશવિદેશની ઘણી વ્યક્તિઓ વ્યક્ત કરતી રહેતી.”

બદનસીબે આ શંકા સાચી જ પડવાની હતી !

શરૂઆતના પ્રવાસો

લિયોપોલ્ડને પોતાની નોકરી માટે ભલે ગમે તેટલાં રોદણાં રડવાની આદત હોય પણ એને ચાલુ પગારે વર્ષો સુધી લંબાતી