આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
મોત્સાર્ટ અને બીથોવન
 

 રજાઓની પરવાનગી મોટે ભાગે સહેલાઈથી મળી જતી. એ રજાઓ વગર મોત્સાર્ટની બાળપ્રતિભાનું યુરોપભરમાં પ્રદર્શન કરવાનો અવસર એને ક્યાંથી મળત? રેલવે અને મોટરગાડી પહેલાંના એ દિવસોમાં ઘોડાગાડીની યાત્રાઓ સાવ ધીમી અને એટલે જ લાંબી અને થકવી નાખનારી હતી. હજી તો મોત્સાર્ટ છ જ વરસનો હતો ને લિયોપોલ્ડ એને અને નૅનર્લને લઈને યુરોપની પહેલી યાત્રાએ નીકળી પડ્યો (જાન્યુઆરી 1762). એમાં પહેલો મુકામ બેવેરિયાની રાજધાની મ્યુનિખ હતો. પણ આ યાત્રા અંગે કોઈ જ માહિતી નથી.

બીજી યાત્રા 1762ના સપ્ટેમ્બરમાં શરૂ કરી. પડાવ નાખ્યો હૅબ્સ્બર્ગ સામ્રાજ્યની રાજધાની વિયેનામાં. પત્નીને પણ લિયોપોલ્ડે આ યાત્રામાં સાથે લીધી હતી. વિયેનાના રાજકુંવર આર્ચબિશપ જૉસેફ અને મહારાણી મારિયા થેરેસાએ શોનબ્રુન મહેલમાં મોત્સાર્ટ પરિવારનું ભવ્ય સ્વાગત કર્યું અને સંગીત સાંભળ્યું. કપડાથી ઢાંકી દીધેલા કીબોર્ડ પર મોત્સાર્ટે ક્લેવિયર વગાડ્યો. પછી બેઠક પરથી ઊઠતાં એ ગબડી પડ્યો. એની જ ઉંમરની એક છોકરીએ એને ઊઠવામાં મદદ કરી એટલે આભાર માનતાં મોત્સાર્ટ બોલ્યો : “મોટો થઈને હું તને પરણીશ.” એ છોકરી મોટી થઈને ફ્રાંસની રાણી મૅરી એન્તોનીતે*[૧] બની. થેરેસાએ મોત્સર્ટને ઊંચકી લઈને ખોળામાં બેસાડીને વહાલ કર્યું. મોત્સાર્ટ એને મોટી બચી ભરી લીધી. થેરેસાએ મોત્સાર્ટ અને નૅનર્લને મોંઘાંદાટ વસ્ત્રોની ભેટ આપી. પણ આ મહેમાનગતિમાં ઔપચારિકતા વધુ હતી. દસેક વરસ પછી થેરેસાના પાટવી રાજકુંવરે મોત્સાર્ટની એક દરબારી સંગીતકાર તરીકે નિમણૂક કરવાનું નક્કી કર્યું ત્યારે થેરેસાએ કડક શબ્દોમાં નન્નો પરખાવેલો : “સંગીતકારો જેવા ફાલતુ માણસો કેટલા ભેગા કરીશ?”


  1. *આ એન્તોનીતે મોટી થઈને ફ્રાંસની રાણી બનેલી ત્યારે ભૂખમરાથી થાકીને ફ્રાંસની ગરીબ પ્રજાએ આ રાણીને ફરિયાદ કરી કે તેમને ખાવા બ્રેડ પણ મળતી નથી. તેમને ‘બ્રેડ ના મળે તો કેક શા માટે ખાતા નથી ?’ એવી સલાહ આપનાર રાણી તે આ જ.