આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
મોત્સાર્ટ અને બીથોવન
 

 નક્કી કરેલી કૃતિઓ વગાડવા ઉપરાંત શ્રોતાજનોની માગણીને માન આપીને મોત્સાર્ટ શીઘ્રસ્ફુરિત (ઇમ્પ્રોમ્પ્ટુ ઇમ્પ્રુવાઇઝ્ડ) કૃતિઓ વગાડીને શ્રોતાઓને આંજી દેતો. સમ્રાટે હસતાં હસતાં મજાક કરી કે આંખે પાટા બાંધીને મોત્સાર્ટ હાર્પિસ્કોર્ડ વગાડશે ? મોત્સાર્ટ એ તરત કરી બતાવ્યું અને તે પણ એક પણ ભૂલ વિના જ !

આ વર્ષોમાં મોત્સાર્ટનું ઘડતર થયું. જે કોઈ નગરમાં એ જતો ત્યાં સ્થાનિક કંપોઝરોને સાંભળવાની એક પણ તક ચૂકતો નહિ. યુરોપની બધી જ સમકાલીન પ્રાદેશિક શૈલીઓ ઉપરાંત વ્યક્તિગત કંપોઝરોની અંગત શૈલીઓમાં નવસર્જન કરવાની હથોટી ધીમે ધીમે મોત્સાર્ટે કેળવી લીધી. એ દરેક શૈલી મોત્સાર્ટના સંગીત પર પોતાની આગવી છાપ પણ છોડી ગઈ. જીવનના છેલ્લા વર્ષ સુધી બાહ્ય પ્રભાવો પ્રત્યે મોત્સાર્ટ અત્યંત સંવેદનશીલ અને ગ્રહણશીલ રહ્યો. કોઈની પણ પાસેથી કંઈક નવું શીખવા મળતું હોય તો એ માટે મોત્સાર્ટે કદી પણ શરમ, નાનમ કે ખમચાટ અનુભવ્યો નહિ, કે એ માટે તુચ્છકાર કેળવ્યો નહિ.

પણ આ બધા લાંબા પ્રવાસોથી ઊગીને ઊભો થઈ રહેલો એ છોકરો ખરેખર ત્રાસી ચૂક્યો હતો. પોતાની ઉંમરનાં બીજાં બાળકો સાથે રમતગમતનો એમાં કોઈ જ અવકાશ નહોતો. છતાં ઘોડાગાડીના ઠીચુક ઠીચુક પ્રવાસોમાં મોત્સાર્ટ ગાડીવાનો સાથે દોસ્તી કેળવતો, એમની જીભે રમતાં લોકગીતોમાંથી સૂરાવલિઓ પકડતો અને બહાર પ્રકૃતિમાં રસ લેતો. ગમે તે કારણ હોય, પણ મોત્સાર્ટ વારંવાર માંદો પડતો. બીજા પ્રવાસ દરમિયાન તો વિયેનામાં મોત્સાર્ટ સ્કાર્લેટ ફીવરથી બે અઠવાડિયાં સુધી ખાટલામાં રહ્યો. ખાટલામાંથી ઊભા થયા પછી પણ ડૉક્ટરે તો જલસા કરવા દેવા પર મોત્સાર્ટને મનાઈ જ ફરમાવેલી. પણ અવિરત પ્રવાસના ખર્ચા તથા હોટેલોનાં રહેઠાણભોજનના ભારે ખર્ચાને પહોંચી વળવા માટે એ બે નાનકડાં બાળકોને