આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
મોત્સાર્ટ અને બીથોવન
 

 1764ની પૅરિસયાત્રામાં મોત્સાર્ટ ત્રણ જર્મન સંગીતકારો જોહાન ગ્રૉટ્ફ્રીડ એકાર્ડ, જોહાન શોબુર્ટ અને હર્માન ફીડરિખ તથા બે ફ્રેંચ સંગીતકારો પિયેરે દુપો અને ફ્રાંસ્વા જૉસેફ ગોસેકને મળેલો. પૅરિસમાં રહેતા જર્મન પત્રકાર બૅરોન ફૉન ગ્રીમે પોતાના મૅગેઝિનમાં બેહદ તારીફથી ભરપૂર મોત્સાર્ટની જાહેરાતો કરીને ફેંચ લોકોને મોત્સાર્ટ પાછળ ઘેલા કરી મૂક્યા. બંને બાળકોને લઈને લિયોપોલ્ડ પૅરિસથી લંડન પહોંચ્યો. આ દિવસોમાં મોત્સાર્ટના હોઠ ઉપર એક વાક્ય રમતું રહેલું : “ઈશ્વર પછી મને સૌથી વધુ વહાલા છે મારા પપ્પા.” પહેલેથી જ મોત્સાર્ટ પિતા સાથે ગાઢ લાગણીના બંધનમાં બંધાયેલો. માતા સાથેનું મોત્સાર્ટનું બંધન આવું ગાઢ જણાતું નથી. લિયોપોલ્ડ મોત્સાર્ટનો માત્ર પિતા અને ગુરુ જ નહોતો, એ મોત્સાર્ટની સંગીતની કારકિર્દીનો ઘડવૈયો અને આયોજક પણ હતો. એક જ વાક્યમાં એમ કહી શકાય કે મોત્સાર્ટ જેવી અફલાતૂન પ્રતિભા લિયોપોલ્ડે જ ઘડેલી.

લંડનમાં રાજા જ્યૉર્જ ત્રીજા અને રાણી શાર્લેતીએ મોત્સાર્ટને આમંત્રણ આપ્યું. બકિન્ગહામ પૅલેસમાં રાણીના ગાયન સાથે એણે પહેલાં વાયોલિન પર અને પછી ઑર્ગન પર જુગલબંધી કરી. પ્રસિદ્ધ કાસ્ટ્રાટી*[૧] ફર્ડિનાન્ડો તેન્ડૂચીને મળ્યો. એ મુલાકાતથી એના મનમાં ઑપેરા સર્જવાની મહત્ત્વાકાંક્ષા જાગી.

લંડનની યાત્રામાં હૅન્ડલ તથા સેબાસ્ટિયન બાખના પુત્ર જોહાન ક્રિશ્ચિયન બાખના પ્રગાઢ પ્રભાવ હેઠળ મોત્સાર્ટ આવ્યો. બંને સાથે એટલી જ ગાઢ મિત્રતા પણ થઈ. બાળ મોત્સાર્ટને પોતાના બે ઘૂંટણ વચ્ચે સંતાડીને જોહાન ક્રિશ્ચિયન બાખ પિયાનો વગાડતો. તે ક્યારે


  1. *કાસ્ટ્રાટી : અઢારમી સદીના અંત સુધી યુરોપમાં કાસ્ટ્રાટી સંગીતકારોની પરંપરા ટકી. કાસ્ટ્રાટી એટલે ‘ખસી કરેલ’. ઊંચાં સપ્તકોમાં તીણા અવાજે સુંદર ગાવામાં માહિર બાળકોને એ જમાનામાં બાર વરસની ઉંમર પહેલાં ખસી કરી નાંખવામાં આવતાં, જેથી કોઈ મર્દાના લક્ષણ પ્રકટે નહિ અને ફાટ્યા વિના આજીવન જ સ્ત્રૈણ તીણો અવાજ ટકે.