આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૨૩
 


તોડી નાંખવા તત્પર બનીને કાવતરું કર્યું છે. ગાયકો અને વાદકોએ વેઠ ઉતારીને આ ઑપેરાની ભજવણીનો ફિયાસ્કો કર્યો છે. એક બાળકના આત્મવિશ્વાસનો ખુડદો બોલાવી દીધો છે.” (14 સપ્ટેમ્બર, 1768) સંગીતનો અભ્યાસ અને નવી રચનાઓ કરવામાં મોત્સાર્ટનું એ આખું વરસ વીતી ગયું.

ઇટાલિયન પ્રવાસો

લિયોપોલ્ડની નજર હવે ઇટાલી પર ચોંટી. સમગ્ર યુરોપમાં એ વખતે ઇટાલી શ્રેષ્ઠ સંગીતનું સ્વર્ગ ગણાતું. મોત્સાર્ટને લઈને લિયોપોલ્ડ 1769ના ડિસેમ્બરમાં ઇટાલીના પહેલા પ્રવાસે નીકળી પડ્યો; પત્ની અને નૅનર્લને ઘેર જ રહેવા દીધેલાં. પ્રવાસમાં ઈટાલીનાં વેરોના, માન્તુઆ, મિલાન, લોદી, પાર્મા, બોલોન્યા, ફ્‌લોરેન્સ, રોમ, તુરીન, વેનિસ અને પાદુઆ નગરો આવરી લીધાં. 1771ના માર્ચની અઠ્ઠાવીસમીએ બાપદીકરો ઘેર પાછા સાલ્ઝબર્ગ આવી પહોંચ્યા. પોતાની પ્રતિભાના પ્રદર્શનથી મોત્સાર્ટે અગાઉ પૅરિસ અને લંડનની પ્રજાને ઘેલી કરી મૂકેલી એવી જ અસર ઇટાલિયન પ્રજા પર પણ થઈ, એ પણ મોત્સાર્ટના મોહપાશમાં બંધાઈ ચૂકી હતી. મોત્સાર્ટે સંગીતના અનેક જલસા કર્યા – જાહેર તેમ જ ખાનગી. એણે નવી રચનાઓ પણ લખી. ઈટાલિયન ચિત્રકારોએ એનાં પોર્ટ્રેટ ચીતર્યાં. મોત્સાર્ટની કાઉન્ટરપૉઇન્ટ કૃતિ ‘કાઈરીતે પ્રિમુમ રેન્યમ દેઈ’ – (k 86)ને ધ્યાનમાં લઈને 1770ના ઓક્ટોબરમાં બોલોન્યાની એકાદેમિયા ફિલાર્મોનિકાએ એને પોતાનો સભ્ય બનાવ્યો, અને રોમના પોપ ક્લેમેન્ટ ચૌદમાએ સર્વોચ્ચ ઇટાલિયન ખિતાબ ‘ગોલ્ડન સ્પર’થી એને નવાજ્યો. લિયોપોલ્ડ તેમ જ મોત્સાર્ટના જીવનની આ સુવર્ણ ક્ષણ હતી. મોત્સાર્ટ તો હજી પંદર જ વરસનો હતો ! લિયોપોલ્ડના આનંદનો પાર રહ્યો નહિ ! એક મિત્રને તેણે કાગળ લખીને જણાવ્યું : “દરબારીઓ અને પોપના અંગરક્ષકો – સ્વિસ