આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
મોત્સાર્ટ અને બીથોવન
 


ગાર્ડ્સ એવી રીતે મને તાકી રહ્યા કે જાણે હું મોત્સાર્ટનો અંગત નોકર ના હોઉં ! મને આ વાતનો ગર્વ છે !"

એ હકીકત હતી કે લિયોપોલ્ડને મોત્સાર્ટ માટે ગદ્ધાવૈતરાં કરવામાં આનંદ આવતો. એ ખરેખર મોત્સાર્ટનો નોકર અને સેક્રેટરી બની રહેલો. બોલોન્યાની એકાદમિયા ફિલાર્મોનિયામાં નિયમ મુજબ સભ્ય સંગીતકારની ઉંમર ઓછામાં ઓછી વીસ વરસની હોવી જોઈએ. માત્ર પંદર વરસની વયના મોત્સાર્ટને સભ્ય બનાવવામાં આવતાં આ નિયમ પહેલી વાર ખંડિત થયેલો.

મિલાનનો ઑસ્ટ્રિયન ગવર્નર-જનરલ મોત્સાર્ટ પર આફરીન પોકારી ગયેલો. (એ વખતે મિલાન ઑસ્ટ્રિયન તાબા હેઠળ હતું.) મોત્સાર્ટને હવે આવનારી સિઝન માટે ઑપેરા લખવાનું કામ એણે આપ્યું. મેતાસ્તાસિયોનો લિબ્રેતો (પટકથા અને સંવાદો) મોત્સાર્ટે પસંદ કર્યો. ઑપેરાનું નામ રાખ્યું: ‘મિત્રીદાતે રે દિ પોન્તો’ (Mithridates, The King of Pontus)*[૧]. 1771ની છવ્વીસમી ડિસેમ્બરે એનો પ્રીમિયર શો થયો અને ખાસ્સી સફળતા મળતાં એ આશરે બીજી વીસ વાર ભજવાયો. આ સફળતાને પગલે 1773ના મિલાન કાર્નિવલ માટે બીજો ઑપેરા લખવાનું કામ એને મળ્યું. સામ્રાજ્ઞી મારિયા થેરેસાના પુત્ર આર્ચડ્યૂકનાં વેનિસની રાજકુમારી બિયાત્રીસ સાથે લગ્ન નજીક આવી રહેલાં. એની ઉજવણી માટે સામ્રાજ્ઞીએ લગ્નવિધિનો સેરેનેટા મોત્સાર્ટ પાસે માંગ્યો. પણ એ માટેનો લિબ્રેતો મોત્સાર્ટના હાથમાં એટલો મોડો મૂકવામાં આવેલો કે માત્ર પંદર જ દિવસનો સમય એને મળ્યો. બોંતેર વરસના કંપોઝર હેસેએ મિત્રતાનો ઉમળકાભર્યો હાથ મોત્સાર્ટ તરફ લંબાવ્યો. “આ છોકરડાને કારણે આપણે બધા જ ભૂંસાઈ જઈશું” એવી એણે કરેલી ભવિષ્યવાણી સાચી પડવાની હતી. હેસેએ મોત્સાર્ટને જમવા ઘરે બોલાવ્યો. હસે, ગ્લક, પિચિની, લુઇગી


  1. * મૂળ નાટ્યકાર રેસિને. લિબ્રેતો : મેતાસ્તાસિયો (1698-1782).