આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૪૧
 

 સાંકેતિક નામ એ બંનેએ ‘મુફ્‌તી’ પાડેલું ! આટલી તકેદારી લેવામાં આવે નહિ તો ઉલ્કાપાત મચી જાય એમ હતું; કારણ કે બાપ અને દીકરો બંને આર્ચબિશપ અને એના દરબારીઓ માટે અત્યંત હીન અને નીચ અભિપ્રાય ધરાવતા. જોકે આર્ચબિશપ અને દરબારીઓ તો પોતાના અંગેના એ અભિપ્રાયને પણ જાણી ગયેલા અને વધારામાં એ પણ સમજી ગયેલા કે વધુ સારી નોકરીની શોધમાં વારે ઘડીએ યુરોપ ખૂંદી વળતા બાપદીકરા માટે સાલ્ઝબર્ગની નોકરીઓ માત્ર કામચલાઉ વ્યવસ્થા પૂરતી જ મહત્ત્વની હતી !

આર્ચબિશપની લાત

‘ઈડોમેનિયો’ ઑપેરા મ્યુનિખમાં પણ ભજવાયો એટલે મોત્સાર્ટ રજા લઈને મ્યુનિખ ગયેલો. જુવાનીમાં પ્રવેશી રહેલા મોત્સાર્ટના રંગીન જીવનનાં બયાનો આર્ચબિશપને કાને પડ્યાં. વળી મ્યુનિખ અને વિયેનામાં મોત્સાર્ટને મળી રહેલી નામનાથી આર્ચબિશપના મનમાં ઈર્ષા જન્મી. એણે મોત્સાર્ટને બહારનું ફ્રી લાન્સ કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો. એણે મોત્સાર્ટને કડક સૂચના આપી કે નોકરી કરવી હોય તો એ નખરાં છોડી દેવા પડશે. આ સૂચના મોત્સાર્ટને અસહ્ય અપમાન સમી લાગી. તરત જ મોત્સાર્ટ વિયેના પાછો આવ્યો અને આર્ચબિશપના ઘરમાં રહેવું શરૂ કર્યું. ત્યાં આર્ચબિશપની સાથે એનો એક સેક્રેટરી, એક ઑફિસર, એક કૉમ્પ્ટ્રોલર, બાર નોકર, એક સંદેશવાહક, થોડા રસોઈયા અને થોડા સંગીતકારો રહેતા હતા. આ નોકરિયાત સંગીતકારો પણ અન્ય નોકરિયાતો સાથે સામાન્ય નોકરી માટેના ટેબલ પર સાથે જમતા. એટલે મોત્સાર્ટે પણ ત્યાં જ જમવું પડતું. પણ સામાન્ય નોકરો સાથે બેસીને જમતાં મોત્સાર્ટનો અહમ્ ઘવાયો. એને તો મોટા મહેલોમાં સમ્રાટો, સામ્રાજ્ઞીઓ, રાજકુંવરો અને શ્રીમંતો સાથે બેસીને જમવાની આદત હતી ! બીજા નોકરો અને સંગીતકારો સાથે હસીમજાકમાં ભાગ લેવાની વાત તો દૂર રહી, એણે તો બીજા સાથે ‘કેમ છો ? સારું