આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
મોત્સાર્ટ અને બીથોવન
 


છે ?’ એવા ઔપચારિક વાર્તાલાપ કરવાની દરકાર પણ કરેલી નહિ. એને કાંઈ પૂછવામાં આવે ત્યારે માત્ર જરૂર પૂરતો મિતાક્ષરી જવાબ પણ એ મહાપરાણે આપતો. જમવાનું પતે કે તરત જ એ ટેબલ પરથી દફા થઈને પોતાના રૂમમાં પુરાઈ જતો. વિયેનાના શ્રીમંતોને ઘેર સંગીતના જલસા કરી તગડી કમાણી કરવાની ઘણી તક હતી, પણ આર્ચબિશપે મ્યુનિખમાં પોતાને આપેલી પેલી કડક ચેતવણી પછી એ બીજું કોઈ ફ્રી લાન્સ કામ કરી શકે એમ નહોતો. ગુસ્સાથી ધૂંધવાયેલા મોત્સાર્ટે આર્ચબિશપને પોતાની વર્તણૂક વડે એ સ્પષ્ટ કરી દીધું કે પોતે નાછૂટકે જ એની નોકરી કરે છે અને એના પ્રત્યે પોતાને તીવ્ર અણગમો પણ છે. પોતાની વર્તણૂક બદલ મોત્સાર્ટે ગુમાન અનુભવ્યું.

એપ્રિલમાં આર્ચબિશપે સંગીતકારોને કહ્યું કે તેમણે સાલ્ઝબર્ગ પાછા જવું અને પાછા જવાનો પ્રવાસખર્ચ આપવામાં આવશે; પણ જેમને પાછા જવું ના હોય એ પોતાની મરજીથી અને પોતાને ખર્ચે વિયેનામાં નવી સૂચના મળે ત્યાં સુધી રોકાઈ શકે છે. પોતાના સાથી સંગીતકાર બ્રુનેતીની માફક મોત્સાર્ટે પણ વિયેનામાં રહીને ફ્રી લાન્સ ધોરણે તગડી કમાણી કરવાની તક ઝડપી લીધી. મહિના પછી નવમી મેના રોજ આર્ચબિશપે મોત્સાર્ટને બોલાવીને એક અગત્યનું સંપેતરું સાલ્સબર્ગ લઈ જવા કહ્યું. એ બે વચ્ચે આ સંવાદ થયો :

આર્ચબિશપ : હવે આ માણસ મારું સંપેતરું લઈને સાલ્ઝબર્ગ જવા માટે ક્યારે રવાના થાય છે ?

મોત્સાર્ટ : આ તાકીદનું છે ?

આર્ચબિશપ : હા.

મોત્સાર્ટ : દિલગીર છું. અત્યારે સાલ્ઝબર્ગ જઈને સંપેતરું પહોંચાડવાની સેવા આપી નહિ શકું. મારાં કેટલાંક ખાસ રોકાણોને લઈને હજી બે દિવસ સુધી હું વિયેના છોડી શકું એમ નથી.