આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
મોત્સાર્ટ અને બીથોવન
 


ઈ કોમ્બીદાદો દ પીયેત્રા’ લખેલું. મોલિયેરે નાટક ‘દોન જુઆન ઉ લે ફૅસ્તીન દ પિયેરે’ લખ્યું. એનો પ્રીમિયર શો પૅરિસમાં 1665માં થયો. 1665માં બ્રિટિશ સાહિત્યકાર થૉમસ શૅડવેલે નાટક ‘લિબર્ટાઈન’ લખ્યું. ગીલીબર્તી અને આન્દ્રેઆ સિગોનીએ પણ નાટકો લખ્યાં. આ જ વિષય ઉપરથી ગ્વેસેપે ગાત્ઝાનિગાએ 1787માં જિયોવાની બેર્તાતીના લિબ્રેતો ઉપર ઑપેરા ‘ઈલ કોન્વીતાતો દિ પિયેત્રા’ લખ્યો અને એ જ વર્ષે એ વેનિસમાં ભજવાયેલો. દિ પોન્તીએ આ ઑપેરા જોયેલો. રશિયન સંગીતકાર ડાર્ગોમિસ્કીએ પણ આ જ વિષય પર એક અધૂરો ઑપેરા લખેલો : ‘ધ સ્ટોન ગેસ્ટ’. અને એ બધા પરથી પોન્તીએ ‘ડૉન જિયોવાની’નો લિબ્રેતો લખેલો.

પ્રાહાની યુવાન ગાયિકા ડુશેક સાથે મોત્સાર્ટની મિત્રતા થઈ. ‘ડૉન જિયોવાની’ ઑપેરા લખવા માટે મોત્સાર્ટને સુંદર વાતાવરણ મળે તે માટે ડુશેકે તેને પ્રાહાથી થોડે આઘે જંગલથી વીંટળાયેલી પોતાની હવેલી વિલા બૅર્ટ્રામ્કા આપી. ડુશેક શ્રીમંત હતી અને કલાકારોને પ્રોત્સાહન આપવું એને ગમતું. ‘ડૉન જિયોવાની’નો પ્રીમિયર શો પ્રાહામાં થયો, 1787ના ઑક્ટોબરની ઓગણત્રીસમીએ મોત્સાર્ટે જ એને કન્ડક્ટ કરેલો. પ્રાહાવાસીઓએ આ ઑપેરા પણ વધાવી લીધો. આજે પણ એને મોત્સાર્ટનો માસ્ટરપીસ ઑપેરા ગણવામાં આવે છે.

એ પછી આવ્યો વિયેનાનો વારો. 1788ના મેની સાતમીએ ‘ડૉન જિયોવાની’ વિયેનામાં ભજવાયો. પણ વિયેનાના વાયડા ગાયકોએ બળજબરીપૂર્વક મોત્સાર્ટ પાસે એમાં કેટલાક ઉમેરા કરાવ્યા. (આધુનિક ભજવણીઓ મોત્સાર્ટના મૂળ સ્કૉરને વફાદાર રહે છે અને પ્રક્ષિપ્ત અંશોને કાઢી નાખવામાં આવે છે.) પંદર ભજવણી પછી વિયેનામાં એ ઑપેરા તદ્દન ફ્લૉપ થયો. એને બાજુ પર મૂકી દેવાનો