આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
મોત્સાર્ટ અને બીથોવન
 


એનો અડધાથી પણ વધુ ભાગ લખેલો ! ગમે તે હોય, પણ મોત્સાર્ટનું હૃદય સાવ જ બેસી ગયું !

રિક્વિયમ માસ

પણ એ જ વર્ષે બે મહિના પહેલાં જુલાઈમાં એક ઊંચો, પાતળો, મુડદાલ, અજાણ્યો માણસ મોત્સાર્ટને ઘેર અચાનક આવેલો. પોતાનું નામ અને બીજી માહિતી જણાવવાનો ધરાર ઇનકાર કરીને એણે મોત્સાર્ટ પાસે મૃતાત્માની શાંતિ માટે એક સમૂહગાન પ્રાર્થના રચી આપવાની દરખાસ્ત મૂકી. સાથે ખાસ્સું ઊંચું વળતર આપવાની ખાતરી આપી અને એમાંથી થોડું વળતર ઍડ્‌વાન્સ પેટે પણ એણે ચૂકવી દીધું. કામ કેવુંક આગળ ધપે છે તે જોવા માટે પછીથી એ થોડા થોડા વખતે આવતો રહેલો. આ રહસ્યમય મુલાકાતી કાઉન્ટ વૉલ્સેકનો નોકર હતો. સંગીતકારોને ધૂમ પૈસા આપીને કૃતિઓ લખાવી લઈ પોતાને નામે ચડાવીને ગવડાવવા-વગાડાવવાનું ઝોડ એને વળગેલું. તાજેતરમાં જ પોતાની પત્નીનું અવસાન થતાં એના આત્માની શાંતિ માટે સમૂહપ્રાર્થના રચાવી પોતાને નામે ચડાવી દેવાની મેલી મુરાદ એની હતી. જોકે આ રહસ્યસ્ફોટ તો ઘણો પાછળથી છેક મોત્સાર્ટના મૃત્યુ વખતે થયો. વૉલ્સેક નામનો કોઈ કાઉન્ટ વિયેનામાં રહે છે એની પણ મોત્સાર્ટને જાણ નહોતી. ઊલટાનું એને તો એ અનામી મુલાકાતીએ આપેલા કામમાં પોતાના મૃત્યુની આગાહી દેખાઈ !

ઝુબેરફ્‌લોટ (મેજિક ફ્‌લૂટ)

1791ના જુલાઈની છવ્વીસમીએ મોત્સાર્ટના છઠ્ઠા સંતાન પુત્ર ફ્રાન્ઝ ઝેવરને કૉન્સ્ટાન્ઝેએ જન્મ આપ્યો. એ મોટો થઈને પિયાનિસ્ટ બનેલો. વિયેના ઑપેરા થિયેટરનો ડાયરેક્ટર શીકેનેડર ફ્રીમેસન સંપ્રદાયનો અનુયાયી હતો. એણે ફ્રીમેસન સંપ્રદાય સાથે સંલગ્ન એક પરીકથા ઉપર મોત્સાર્ટને જર્મન ઑપેરા લખી આપવાનું કામ આપ્યું.