આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મોત્સાર્ટ
૭૩
 

 1791ના સપ્ટેમ્બરની ત્રીસમીએ વિયેનામાં એનો પ્રીમિયર શો થયો. તાવ સાથે નાદુરસ્ત તબિયતે મોત્સાર્ટે જ એ કન્ડક્ટ કરેલો. વિયેનાવાસીઓ આ ઑપેરા પાછળ ઘેલા થયા. રોજેરોજ એના શો થવા માંડ્યા. સાલિયેરીએ પણ આ ઑપેરાનાં વખાણ કર્યાં. પણ હવે તબિયત વધુ ને વધુ કથળતી ગઈ. તાવ સતત ચાલુ રહ્યો. મોત્સાર્ટ વધુ ને વધુ અંતર્મુખ થતો ગયો. અત્યાર સુધી સંગાથમાં ખુશમિજાજ રહેતો મોત્સાર્ટ એકલતા ઝંખવા માંડ્યો. મરવાની વાતોનો એનો લવારો કૉન્સ્ટાન્ઝે બંધ કરાવી શકી નહિ. વળી ફરી પગનો જખમ વકરતાં ખનીજ પાણીના ઝરામાં એને ડુબાડવા એણે ફરી બૅડન જવું પડ્યું; મોત્સાર્ટ ફરી એકલો પડ્યો અને આ વખતે એકલતા એને સાલી. એ પથારીવશ બન્યો. એટલે નવેમ્બરની આખરમાં કૉન્સ્ટાન્ઝેને કાગળ લખીને વિયેનામાં તેડાવી લેવામાં આવી. મોત્સાર્ટે એ છેલ્લા કાગળમાં કૉન્સ્ટાન્ઝેને લખેલું : “એક ચોક્કસ ખાલીપો અનુભવું છું અને એથી હું વ્યથિત છું. જીવનમાં ખાસ આનંદ રહ્યો નથી. એક ચોક્કસ ઝંખના જાગી છે, જે કદી સંતોષાતી નથી અને તેથી તે કદી કેડો મૂકતી નથી – તે દિવસે દિવસે સતત વધતી જ જાય છે. આપણી જિંદગી ભલે ખાસ આનંદપ્રદ રહી નથી; છતાં ધીરજ રાખ. મને ખાતરી છે કે પરિસ્થિતિ સુધરશે જ. અને પછી તો હું તારો જ છું ! અત્યારે તો તું સંતોષથી હસતી રહે તેટલાથી જ મને આનંદ થશે. તને જે કાંઈ જોઈતું હોય તે બધું તને મળી જતું હોય તો મારા બધા જ પ્રયત્નો સાર્થક થશે. તું જો ખુશાલ અને તંદુરસ્ત હશે તો હાલ પૂરતું તો મારે બીજું કાંઈ પણ જોઈતું નથી. હું તને પ્રેમ કરું છું તેટલો જ પ્રેમ તું પણ મને હંમેશાં કરતી રહેજે. અલવિદા !”

1790 સુધીમાં તો મોત્સાર્ટ બરાબર જાણી ગયો હતો કે પોતાની તબિયત સાવ કથળી ગઈ છે. એણે એક મિત્રને લખ્યું :