આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૅરેજ ઑફ ફિગારો
૮૭
 

હદ થાય છે. અત્યાર સુધી લોકો બારીઓમાંથી કચરો અને બીજી વસ્તુઓ ફેંકીને બગીચાને નુકસાન કરતા હતા પણ આજે તો એમણે એક આખો માણસ જ બારીમાંથી ફેંકી દીધો અને કૂંડું તોડી નાંખ્યું.” તરત જ કાઉન્ટના મનમાં વહેમનો કીડો ફરી સળવળવા માંડે છે. દરમિયાન કાઉન્ટેસ અને સુસાના ફિગારોને સમજાવે છે એટલે ફિગારો કાઉન્ટને કહે છે કે એણે પોતે જ બારીમાંથી ભૂસકો મારેલો. માળી તરત પૂછે છે કે ભૂસકો માર્યા પછી આટલો ઊંચો પહોળો કેવી રીતે થઈ ગયો ? કાઉન્ટ તરત જ દર્દનાક ચીસ પાડે છે : ‘ઓહ ચેરુબિનો !’ ફિગારો કહે છે કે ચેરુબિનો તો યુદ્ધમાં લડવા માટે હમણાં જ ઘોડા પર બેસીને ચાલ્યો ગયો. માળી કહે છે કે, ‘મેં તો ઝાંપા બહાર જતો કોઈ ઘોડેસવાર જોયો નહિ !’ ફિગારો કહે છે કે સુસાનાને મળવા અચાનક કાઉન્ટને પ્રવેશતો જોઈ એણે ગભરાટનો માર્યો બારી બહાર ભૂસકો મારેલો ! કાગળનો એક ડૂચો પોતાના ખિસ્સામાંથી કાઢીને માળી ફિગારો સામે ધરે છે અને કહે છે કે ભૂસકો મારેલો ત્યાં આ ડૂચો પડેલો. ફિગારો એ ડૂચો પકડે એ પહેલા જ કાઉન્ટ એ ઝડપી લઈને ખોલીને વાંચે છે તો એ ચેરુબિનોએ લખેલો કાગળ નીકળે છે અને ફિગારોનું જૂઠાણું પકડાઈ જાય છે. ભોંઠો પડેલો ફિગારો પોતાનો ખોવાયેલો કાગળ શોધવા પોતાના ખિસ્સાં ફંફોસવાનો ડોળ કરે છે અને થોથવાતી જીભે કહે છે કે ચેરુબિનોએ લખેલો કાગળ જ પોતાની પાસે હતો, જે ભૂસકો મારતાં પડી ગયો હોવો જોઈએ. ગુસ્સામાં રાતોચોળ કાઉન્ટ એ ડૂચાના લીરેલીરા કરી નાખે છે. ત્યાં જ માર્સેલિના આવીને ફિગારો પાસે લેણાની રકમ માંગે છે. ફિગારો એ અત્યારે આપવાની લાચારી બતાવે છે એટલે માર્સેલિના કાઉન્ટ સમક્ષ પેલો કરાર ધરીને પોતાના લગ્ન ફિગારો સાથે કરાવી આપવાનું વચન માંગે છે. ખિન્ન થયેલો કાઉન્ટ દાઝ વાળવા આ વચન આપે છે.