આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સામે એવા ચડાવજો કે તેઓની વચ્ચે લોહીની નદી ચાલે ત્યાં લગી લડે. બોલો, આ કામ તમારાથી બનશે કે નહીં?"

તેઓ બોલ્યા : " હા સાહેબ, કેમ નહીં બને  ?"

સેતાને પૂછ્યું : " કહો, તમે કેમ શરૂઆત કરશો ?"

ગુલામોએ જવાબ આપ્યો : " એ તો સહેલ છે. પ્રથમ તો અમે તેઓને પાયમાલ કરીશું, અને જ્યારે એકએકના ઘરમાં સૂકી રોટલીનો ટુકડો સરખો પણ નહીં હોય, એટલે તેઓ ભેગા થાય એમ યુક્તિ કરીશું. કહો, પછી કેમ તેઓ અરસપરસ વેર વિના રહી શકવાના?"

સેતાન બોલ્યો : "શાબાશ, તમે તમારું કામ બરાબર સમજતા જણાઓ છો. હવે જાઓ, અને તેઓના કાન બરોબર ભંભેર્યા વિના હરગિજ પાછા ન ફરશો. અને જો આવ્યા તો જીવતાં તમારી ચામડી ઉખેડીશ."

પછી ત્રણે ગુલામો નીકળી પડ્યાં, અને કોણે ક્યાં જવું, એ વિચારવા લાગ્યા. વાત કરતાં રવદ વધી; દરેકને સહેલમાં સહેલું કામ જોઈતું હતું. છેવટે તેઓએ ચિઠ્ઠી નાખી, અને જેને ભાગે જે ભાઈ આવ્યો તેને ભંભેરવા તે તે ગુલામ ચાલી નીકળ્યો. વળી તેઓએ એવો પણ ઠરાવ કર્યો કે જેનું કામ વહેલું ફતેહમંદ નીવડે તેણે બીજાઓની મદદે જવું, અને વખતો વખત અમુક જગ્યાએ મસલત કરવા એકઠા થવાનો પણ ઠરાવ કર્યો.