આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂરખરાજે મૂળિયાની એક પાંખડી લીધી. તુરત જ તેનું દરદ શાંત પડ્યું.

ગુલામે કહ્યું, "હવે મને જવાદો, હું ધરતી માંહે સરી જઈશ અને કદી પાછો આવીશ નહીં."

મૂરખરાજ બોલ્યોઃ "ભલે જા, ઈશ્વર સદાય તારી સાથે રહેજો."

મૂરખરાજે જેવું ઈશ્વરનું નામ લીધૂં કે તરત જ જેમ પાણીમા ફેંકેલો પથરો તળિયે જ ઈ બેસે, તેમ ગુલામ ધરતી માંહે પેસી ગયો અને તેમાં માત્ર ખાડો જ દેખાતો રહ્યો.

મૂરખરાજે મૂળિયાની બીજી બે પાંખડી પોતાની પાઘડીમાં ખોસી દીધી, અને પાછું હળ હાંકવા મડી ગયો. ખેતી પૂરી કરીને ઘેર ગયો. ઘોડાને છોડીને પોતે ઝૂંપડીમાં દાખલ થાય છે તો સમશેરબહાદુર અને તેની વહુને વાળુ કરતાં જોયાં. સમશેરની જાગીર જપ્ત થઈ હતી અને તે મુસીબતે કેદખાનામાંથી ભાગી છૂટ્યો હતો. હવે પોતાના બાપની સાથે રહેવા તે દોડી આવ્યો હતો.

સમશેરે મૂર્ખાને દીઠો, ને જણાવ્યું, "હું તારી સાથે રહેવા આવ્યો છું. મને અને મારી વહુને જ્યાં સુધી મને બીજી નોકરી ન મળે ત્યાં સુધી ખવડાવીશ ને?"