આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજી સવારે મૂર્ખો બહુ જ વહેલો જઈ પહોંચેલો હોવાથી અરધ પૂંછડિયો પહોંચે તેના પહેલાં મૂર્ખે પોતાનું કામ પૂરું કર્યું હતું. અરધ પૂછડિયો ગભરાયો અને ખિજાયો. તે બોલી ઊઠ્યોઃ"મૂર્ખાએ મને બધે જ હરાવ્યો અને થકાવ્યો. આ તો ખરેખર મૂર્ખો જ. મૂર્ખાને કંઈ શીંગડાં હોય? બેવકૂફ પૂરું સૂતો પણ નથી. એને તે કેમ પહોંચી વળાય? હવે તો હું દાણાના ઢગલામાં પેસી જાઉં અને બધા સોડવી દઉં."

આમ વિચારી અરધ પૂંછડિયો દાણાના ઢગલામાં પેઠો, દાણા સડવા લાગ્યા. તે દાણાને તેણે ગરમ કર્યા તેથી પોતાને પણ ગરમી છૂટી તેથી તેમાંજ ઊંઘી ગયો.

મૂર્ખો મોંઘીની સાથે ઘોડી જોડીને ચાલ્યો. દાણા ગાડામાં નાખવા લાગ્યો. બે ઝપાટા પૂરા કર્યા અને ત્રીજી વખત ભરવાને જાય છે તો દાંતલો અરધ પૂંછડિયાની પીઠમાં ગરી ગયો. ઊંચકે છે તો દાંતલા ઉપર તેણે અરધ પૂંછડિયાને તરફડતો ને નીકળી પડવાનો પ્રયત્ન કરતો જોયો.

તેને જોઈને મૂર્ખો બોલી ઊઠ્યોઃ "અરે અલ્યા! પાછો તું આવ્યો કે?"

અરધ પૂંછડિયો બોલ્યોઃ "હુ તે નહીં. પેલો તો મારો ભાઈ હતો, હું તો તારા ભાઈ સમશેરની પૂંઠે હતો."