આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રકરણ છઠ્ઠું


ભાઈઓએ તો ઘરો બાંધ્યા અને નોખા રહેવા લાગ્યા. મૂર્ખાએ લણવાનું કામ પૂરું કર્યું અને તેણે એક તહેવારને દિવસે તેના ભાઈઓને નોતર્યા. પરંતુ તેઓ ન આવ્યા. તેઓ બોલ્યા : "ખેડૂત તહેવાર કેમ રાખે તે આપણે ક્યાં નથી જાણતા ? ત્યાં જઈને શું કરીએ?"

તેથી મૂર્ખાએ આસપાસના ખેડૂતો અને તેની સ્ત્રીઓને બોલાવ્યાં, તેઓને જમાડ્યાં. પછી મૂર્ખાએ તેઓને સોનાનાં ફૂલો આપ્યાં. સોનાનાં ફૂલ જોઈને એક પર એક અથડાવા લાગ્યાં અને એક બિચારી બુઢ્ઢી તેમાં કચડાઈ પણ મૂઈ. તેથી મૂર્ખો બોલ્યો : "તમો કેવા બેવકૂફ છો ? તમારે વધારે જોઈએ તો હું વધારે આપું. " અને એમ કહીને તેણે ખૂબ ફેંક્યાં. પછી છોકરાઓ ગાવા-નાચવા લાગ્યા. મૂરખો બોલ્યો : "તમને ગાતાં ક્યાં આવડે છે ? જુઓ હું બતાવું." એમ કહી તેણે તો ખડમાંથી સિપાઈઓ બનાવ્યા, અને તેઓ ઢોલ-શરણાઈ વગાડવા લાગ્યા. આમ થોડી વાર ગમ્મત કરાવીને પાછા સિપાઈઓને ખેતરમાં લઈ ગયો અને તેનું ખડ બનવીને ફરીથી ગંજી ખડકી દીધી. પછી થાક્યો પાક્યો ઘેર ગયો અને સૂતો.