આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂરખરાજને આશ્ચર્ય લાગ્યું અને બોલ્યો : " જો એમ જ છે તો મને તેં અગાડી કેમ ન કહ્યું ? તું કહે એટલા સિપાઈ હું બનાવી શકું એમ છું. ઠીક થયું કે બહેને અને મેં મળીને ડૂંડા ઠીક એકઠાં કર્યાં છે." પછી મૂર્ખો તેના ભાઈને કોઠાર પાસે લઈ ગયો, અને બોલ્યો : " જો હું સિપાઈ તો બનાવું છું, પણ તારે તેઓને તરત જ લઈ જવા પડશે. કારણ કે જો તેઓને ખવડાવવું પડે તો તેઓ એક દહાડામાં ગામનો દાણો પૂરો કરી નાખે."

સમશેરે સિપાઈઓને લઈ જવાનું વચન આપ્યું. મૂર્ખે સિપાઈ બનાવવાનું શરૂ કર્યું. ભોંય ઉપર એણે ડૂંડાની એક ભારી પછાડી અને એક પલટણ તૈયાર થઈ. બીજી ભારી પછાડી અને બીજી પલટણ ઊભી થઈ. આમ કરતાં આખું ખેતર ભરાઈ રહ્યું. પછી મૂર્ખે પૂછ્યું : "હવે તો બસ થયું કે નહીં?"

સમશેર ગાંડોતૂર થઈ બોલી ઊઠ્યો :"હવે બસ, ભાઈ, તારો હું પાડ માનું છું."

મૂર્ખે જવાબ વાળ્યો :" ઠેક, તને વધારે જોઈએ તો મારી પાએ આવજે અને હું વધારે બનાવી આપીશ. આ મોસમનો પાક સારો ઉતર્યો છે એટલે ડૂંડા પુષ્કળ છે."