આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમશેર આ પલટણનો સેનાપતિ બન્યો, અને લડાઈ કરવા ચાલ્યો. તેટલામાં ધન્વંતરિ આવ્યો. તેણે પણ ગયા દહાડાની વાત સાંભળી હતી અને હરખાતો હરખાતો તેના ભાઈને પૂછવા લાગ્યો : "તને સોનું ક્યાંથી મળે છે એ મને તું કહે. જો મારી પાસે ભરપૂર સોનું હોય તો હું તેમાંથી આખી દુનિયા ખરીદી લઉં."

મૂર્ખો તો વળી તાજુબ થયો અને બોલ્યો : " તેં મને પહેલું કહ્યું હોત તો તને હું સોનાના ઢલગા ને ઢગલા આપત. હવે પણ જોઈએ તેટલું માગ."

ધન્વંતરિ આ સાંભળી ગાંડોતૂર બની ગયો અને બોલી ઊઠ્યો : " હાલ તો તું મને ત્રણ ટોપલી ભરીને આપ એટલે બસ છે."

મૂર્ખે કહ્યું : "ઠીક છે. ત્યારે ચાલો આપણે ખેતરમાં જઈએ. હું ગાડી પણ જોડું. કેમ કે એટલું સોનું તારાથી કાંઈ ઊંચકી શકાશે નહીં."

પછી તેઓ ખેતર તરફ હાંકી ગયા. મૂરખાએ કેટલાંક પાતરાં ઘસ્યાં અને સોનાનો મોટો ઢગલો થયો. પછી ધન્વંતરિ તરફ જોઈ બોલ્યો : " આટલું બસ થશે કે નહીં?"

ધન્વંતરિ બોલ્યો : " તેં તો બહુ કરી. હાલ તુરતને સારુ તો એટલું સોનું બહુ થશે. તારો પાડ હું કદી ભૂલીશ નહીં."