આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મૂર્ખે જવાબ દીધો : " મારી પાસે પાતરાં પુષ્કળ છે. વધારે ખપ પડે તો આવજે, એટલે બીજું સોનું ઘસી કાઢીશ." ધન્વંતરિ ઢગલો લઈ વેપાર કરવા ચાલ્યો.

આમ કહી એક તરફથી સમશેર લડાઈમાં અને ધન્વંતરિ વેપારમાં એમ બન્ને ભાઈ મચ્યા. સમશેરે એક રાજ્ય જીતી લીધું અને ધન્વંતરિએ પુષ્કળ દોલત મેળવી. બંને ભાઈ પછી ભેળા થયા અને સમશેરે ધન્વંતરિને પૂછ્યું : " મારી પાસે રાજ્ય તો છે, પણ સિપાઈઓને નિભાવવા જેટલા પૈસા નથી." ત્યારે ધન્વંતરિ બોલ્યો : " મારે પૈસાની ખોટ નથી, પણ રખેવાળની ખોટ છે." આ સાંભળી સમશેર બોલી ઊઠ્યો : "ચાલો ત્યારે આપણે પાછા મૂર્ખા પાસે જઈએ. હું વધારે સિપાઈઓ બનાવવાનું કહીશ અને તું તેને સોનું ઘસી કાઢવાનું કહેજે. મારા સિપાઈ તું લઈ લેજે એટલે તારી દોલતની રખેવાળી કરશે. અને હું સોનું લઈશ એટલે તેમાંથી મારા સિપાઈઓ ખાશે."

આમ મસલત કરી બંને જણા મૂર્ખા પાસે ગયા. સમશેરે વધારે સિપાઈની માગણી કરી. મૂર્ખો માથું ધુણાવી બોલ્યો :" હવે હું બીજા સિપાઈ નહીં બનાવું."

સમશેરે બોલ્યો : " પણ તેં તો મને વચન આપ્યુ હતું"