આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રણ લગડીઓ આપીને ગાય લઈ ગયેલો. તેથી છોકરાંઓ દૂધ વિનાનાં થઈ રહેલાં હતાં. મેં તો એમ ધાર્યું હતું કે સોનાના લખોટા બનાવી તું રમશે. પણ પરિણામ તો વિપરીત આવ્યું. બિચારાં છોકરાંઓ ગાય વિનાનાં થઈ દૂધની તંગીમાં આવી પડ્યાં. એટલે હવે મારી પાસેથી સોનું મેળવવાની આશા ફોકટ સમજવી."

નિરાશ થઈ બન્ને ભાઈ પાછા ફર્યા અને પોતાની મુસીબતનો વિચાર કરવા લાગ્યા. સમશેરે ધન્વંતરિને કહ્યું : " મારા સિપાઈને નિભાવવા જેટલા પૈસા તું મને આપ, હું તને મારું અડધું રાજ્ય આપું એટલે તારી દોલતનું રક્ષણ થશે."

ધન્વંતરિને આ સૂચના ગમી. ભાઈઓએ પોતાની પાસે હતું તેના ભાગ પાડ્યા. હવે બન્ને રાજ્યવાળા બન્યા અને બન્નેની પાસે પૈસો એકઠો થયો.