આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પછી તે પેલા ભાઈઓને શોધવા ગયો. તેણે જોયું કે તેઓ પોતાને અસલ ઠેકાણે ન હતા, અને ત્રણે જણ રાજ્ય કરતા હતા. એ તેને બહુ દુઃખરૂપ થઈ પડ્યું. પહેલો તે સમશેરને ત્યાં ગયો. સેતાને સેનાધિપતિનો વેશ લીધો હતો. સલામ કરીને સેતાન બોલ્યોઃ "મહારાજાધિરાજ, મેં સાંભળ્યું છે કે આપ બહાદુર લડવૈયા છો. આપની કૃપાથી લડાઈનું કામ હું બહુ સારું જાણું છું.અને બંદાને નોકરી આપશો તો મારી ફરજ બજાવીશ."

સમશેર ભોળવાયો, લલચાયો ને સેતાનને નોકર રાખ્યો.

નવા સેનાધિપતિએ નવા સુધારા ખૂબ દાખલ કર્યા. ઘણા માણશો જે તેના મનને વગર ધંધાવાળા લાગતા હતા, તેઓને સિપાઈગીરી કરવાની ફરજ પાડી. જુવાનિયામાત્રની પાસે સિપાઈગીરીની નોકરી લીધી. આમ એક તરફથી સિપાઈઓ વધ્યા, અને બીજી તરફથી દારૂગોળાનું ખર્ચ વધ્યું. નવી તોપો એવી બનાવી કે જેમાંથી પાંચસેં ગોળા એક્દમ છૂટે.

સમશેરને આ બધું ગમ્યું. હવે આટલા બધા સિપાઈને કંઈક ધંધો તો ચોક્કસ જોઈએ. તેથી તેણે પાસેના રાજાની સામે લડાઈ શરૂ કરી. તેની નવી તોપોથી રાજાની સામે લડાઈ શરૂ કરી. તેની નવી તોપોથી પાસેના રાજાનું અડધું લશ્કર માર્યું ગયું. તે બીધો, શરણે ગયો.