આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પ્રસ્તાવના

ઉપલી વાત અમે મહાન મરહૂમ ટૉલ્સટૉયનાં કેટલાંક અત્યંત પવિત્ર લખાણોમાંથી લીધી છે. અમે વાતનો શબ્દારથ તરજુમો નથી આપ્યો, છતાં તેનું રહસ્ય બરોબર સમજી શકાય તેવી રીતે આપણી ભાષામાં ઠીક લાગે તેવી રીતે લખાણ કરવા પ્રયત્ન કર્યો છે.

ઉપલી વાત તે અમે જે બીજી આપી ગયા છીએ તેના કરતાં બહુ ચડિયાતી છે. યુરોપના જુદા જુદા લેખકોએ પણ તેને બહુ વખાણી છે. તેમાં લખેલું બધું બનવાજોગ છે, એટલું જ નહીં પણ તેવું ખૂણેખાંચરે આજ પણ બન્યા કરે છે. એવા બનાવો ઇતિહાસે નથી ચડતા તેથી બનવા જોગ નથી એમ કોઈએ માનવાનું નથી.

આ વાર્તામાં ટૉલ્સ્ટૉય શું બતાવવા માગે છે તે વાંચનાર પોતાની મેળે જેમ જેમ પ્રકરણ આગળ ચાલતું જશે તેમ તેમ સમજી લેશે.

વાર્તા એવી ઢબથી લખાયેલી છે કે તેનું શિક્ષણ જેટલું ઉત્તમ છે તેટલી જ તે રસિક છે. જેટલો રસ અમે અંગ્રેજી તરજુમામાંથી લઈ શક્યા છીએ તેટલો જ જો અમારા વાંચનાર અમે આપેલ લખાણમાંથી ન લઈ શકે તો દોષ વાર્તાનો નહીં પણ અમારો ગણવો.

રશિયન નામઠામ વાંચતાં વાતનો રસ ઘટે એમ ધારી અમારા રિવાજ મુજબ અમે હિંદી નામઠામ દાખલ કર્યાં છે.

[મોહનદાસ કરમચંદ ગાંઘી]