આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શીખવવા માગું છું. એક કોઠી હું આપના રાજ્યમાં રહી સ્થાપવા ઇચ્છું છું."

મૂરખરાજે જવાબ આપ્યો : "મારા રાજમાં સુખેથી રહો, ને જે કંઇ ઠીક હોય તે કરો."

બીજે દહાડે સેતાને ચૌટામાં જઇ માણસોને એકઠા કર્યા. તેની પાસે મહોરોની થેલી હતી. તે બોલ્યો, "તમે લોકો ઢોરની માફક રહેતા જણાઓ છો. માણસને છાજે તેમ રહેતાં તમને બતાવું. એ પ્રમાણે ઘર બાંધવામાં મને મદદ કરો. મારી દેખરેખ નીચે તમારે કામ કરવું ને હું તમને મહેનતાણા બદલ સોનાની મહોરો આપીશ."

આટલું કહી તેણે મહોરો બતાવી.

મહોરો જોઇ લોકો અચંબો પામ્યા. તેઓમાં નાણાંનું ચલણ ન હતું. તેઓ એકબીજાની સાથે માલનું સાટું કરતા. ખેડૂતો દાણાઓથી કાપડિયા પાસેથી કાપડ લે, મજૂર જોઇએ તો દાણો લઇ મજૂરી લે. "આ કેવાં ચકચકિત ચકતાં છે" એમ કહી તેઓ હસવા લાગ્યા.

લોકોની આંખને ગમ્યાં તેથી તેઓ તો વગર વિચાર્યે પોતાનો માલ સેતાનને આપી મહોરો એકઠી કરવા લાગ્યા.